મારણ પર બેસેલા ત્રણ સિંહોને મિજબાની માણવા ન દેતા પજવણીકારો.
એશિયાટીક સિંહોએ ગુજરાત રાજય અને દેશનું ગૌરવ છે. ગીરના સિંહોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. સાવજની ત્રાડથી ઓળખાતા ગુજરાતમાં હવે સાવજનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ઘુસણખોરીના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. જેને કારણે વન્યજીવોની કનડગતમાં વધારો થયો છે. રક્ષિત વિસ્તારમાં કેમ નથી એટકતી ઘુસણખોરી જંગલ વિસ્તારમાં ઘુસણખોરી અને આવા વન્યજીવોને પજવણીકારો સામે લાલઆંખ કરી યોગ્ય પગલા ભરવાની જરૂર છે.
સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જંગલમાં ગૌવંશને બાંધીને ગેરકાયદે સિંહદર્શન કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં અમુક વ્યક્તિએ ગેરકાયદે સિંહદર્શનની સાથે સાથે ત્રણ સિંહોની પજવણી પણ કરી રહ્યા છે. હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો ગીર-સોમનાથ, કે તેની આસપાસના વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
વાઈરલ વીડીયોમાં જોઈ શકાય છે કે મારણ કર્યા બાદ ત્રણ સિંહો તેની મિજબાની માણી રહ્યા છે. આવા સમયે ગેરકાયદે સિંહદર્શન કરી રહેલા અમુક પજવણીકાર તત્વો સિંહોની પજવણી કરી રહ્યા છે. જોકે, હાલમાં આ વીડિયો ચોક્કસ કયા વિસ્તારનો છે તેની માહિતી સામે આવી નથી. પજવણીકારો સિંહોને ત્યાંથી ભગાડવા માટે હાકલા પડકારા કરે છે. આ દરમિયાન એક સિંહ બે વખત તેની પાછળ દોટ પણ મૂકે છે. જોકે, પજવણીકાર વ્યક્તિ તેને હાકલા પડકારા કરીને ત્યાંથી ભગાડી મૂકે છે.
મારણ પરથી સિંહોને ભગાડતો આ વીડિયો વાયરલ થયા બાદ સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આવા પજવણી કરતા તત્વો સામે કાયદેસરના પગલા ભરી ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના બનાવો અવાર નવાર સામે આવતા જ રહે છે. પરંતુ આવી રીતે ખૂબ જ નજીકથી સિંહોની પજવણી કરતો વીડિયો સામે આવતા વનવિભાગની સક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.