દરિયામાં રહેતા આ નાના કોમળ જીવો પોતાના રક્ષણ માટે શરીર ફરતે સખત શંખ અને છીપલાનું આવરણ બનાવતા હોય છે.
જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક ખાતે તાજેતરમાં વનવિભાગ દ્વારા એક વિશિષ્ટ કામગીરી સંપન્ન કરવામાં આવી જેના તરફ સામાન્ય લોકો તો ઠીક પરંતુ જીવસૃષ્ટિના ચાહકોનું પણ ખાસ ધ્યાન નથી પડ્યું. નરારા પાસેના મરીન નેશનલ પાર્કમાં આવેલી પરવાળાઓની વસાહતને સફળતાપૂર્વક દરિયામાં પાંચ કિ.મી. દૂર સ્થળાંતરિત કરવામાં આવી છે.
દરિયામાં રહેતા આ નાના કોમળ જીવો પોતાના રક્ષણ માટે શરીર ફરતે સખત શંખ અને છીપલાનું આવરણ બનાવતા હોય છે. આ જીવડાના શરીરમાં જાતજાતના રસાયણો હોય છે. આ જીવો નાશ પામે ત્યારે દરિયાકાંઠે તેના અવશેષો જમા થાય છે. દરિયાના પાણીના મોજા આ અવશેષો કાંઠે ધકેલી એક વિશિષ્ટ રચના ઊભી કરે છે. વર્ષોની આ પ્રક્રિયાથી સમુદ્રમાં કેટલાક સ્થળે આવા અવશેષો જમા થઈને વિશાળ ટાપુઓ બનેલા છે તેને પરવાળાના ટાપુ કે કોરલ રિફ કહે છે. પરવાળાના ટાપુ મોટે ભાગે કેલ્શિયમ કાર્બોનેટના થરના બનેલા ખડકો હોય છે, પણ રંગબેરંગી હોય છે.
દરિયાકિનારાને અડીને બનેલા રંગીન ટાપુને ટ્રિન્જિંગ રિફ અને કિનારાથી દૂર બનેલા ટાપુને બેરિયર રિફ કહે છે. મૂળ ગ્રીક ભાષામાંથી આવેલ આ પ્રાણીના નામનો અર્થ ‘સમુદ્રનો પુત્ર’ થાય છે. કોરલનો રંગ ખૂબ જ વૈવિધ્યસભર લાલ, કાળો, સફેદ અને દૂધિયા, ગુલાબી, કેટલીક વાર વાદળી અને પીળો હોય છે. મેટ ફીનીશ ધરાવતું આ તત્વ પ્રક્રિયા કર્યા પછી ગ્લાસી ચમક મેળવે છે અને ઘરેણાં સહિત અનેક ઉપયોગમાં લેવાય છે.
નરારાના દરિયામાં પાથરેલી એક સરકારી ઉદ્યોગગૃહની 40 વર્ષ જૂની જર્જરીત પાઈપલાઈન બદલવાની જરૂર ઉભી થતાં આ કોરલ કોલોની વિનાશના ભયમાં હતી. આ લુપ્તપ્રાય જીવોના અસ્તિત્વને જાળવી રાખવા માટે જુલાઇ 2021 માં ગુજરાત વન વિભાગ અને ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોએ કમર કસી.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1980માં જાહેર થયેલા ભારતના સૌ પ્રથમ આરક્ષિત દરિયાઈ વિસ્તાર એવા મરીન નેશનલ પાર્કના વિશાળ વિસ્તારમાં 42 ટપુઓ આવેલા છે, જેમાંથી 33 ટાપુઓ પર દરિયાઈ અને કાંઠા વિસ્તારના પર્યાવરણ સંતુલન માટે મહત્વની અને સમુદ્રના વર્ષા વન તરીકે જાણીતી દરિયાઈ પરવાળા (કોરલ)ની ભારતની સૌથી મોટી પૈકીની વસાહતો આવેલી છે.
નરારા ટાપુ નજીકની આવી કોરલ વસાહતને સલામતીપૂર્વક ખસેડવી એ એક પડકારરૂપ કાર્ય હતું. ભારતના આ સૌથી મોટા ટ્રાંસલોકેશન પ્રોજેક્ટમાં તમામ દરિયાઈ જીવોને સફળતાપૂર્વક મૃત્યુમાંથી બચાવી લેવાયા છે. મેન્યુઅલી અને સ્કુબા ડાઈવીંગ કરીને એક એક પરવાળાને નવાં સ્થળે સ્થાપિત કરાયા છે એટલું જ નહીં હજુ સાડા ત્રણ વર્ષ સુધી એટલે કે વર્ષ 2026 સુધી આ સ્થળાંતરિત પરવાળાઓનું મોનીટરીંગ પણ કરાશે.