સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જંગલમાં ગૌવંશને બાંધીને ગેરકાયદે સિંહદર્શન કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારે તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ સિંહણની પજવણી કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિએ ગેરકાયદે સિંહદર્શનની સાથે સાથે સિંહણની પજવણી પણ કરી રહ્યા. હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો ગીર-સોમનાથ, ઉના કે પછી ધારીનો હોઈ શકે છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિના હાથમાં મરઘી છે અને તે સિંહને પ્રલોભન આપી રહ્યો છે. સામે દૂર એક સિંહણ દેખાય છે. આ શખ્સ તેને મરઘી દેખાડી રહ્યો છે. એ થોડો દૂર હટી જાય છે. ફરી નજીક આવી મરઘીનો સિંહણ સામે ઘા કરે છે. થોડીવાર નીરવ શાંતિ છવાઈ જાય છે. ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઈ જાય છે.
મહત્વનું છે કે ગેરકાયદે લાયન શો સિંહ માટે હાનિકારક છે. આવા લાયન શોથી સિંહ પાલતુ જેવો બની જાય છે. શુ જંગલ રાજા સાથે આ પ્રકારનું પ્રલોભન યોગ્ય છે ખરૂ ? સરકારે હાલમાં જ જંગલની બહાર વસતા 200 જેટલા સિંહોના સંવર્ધન માટે પ્રોજેક્ટ લાઈનને મંજુર આપી છે. પણ અહીં તો જંગલમાં વસતા સિંહોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થાય છે. શું આવી રીતે સિંહોનું સંવર્ધન અને સુરક્ષા થશે ?