દરેક પક્ષીઓની ચાલવાની રીત ભાત અનોખી હોય છે. ચકલી, કાબર અને બુલબુલ જેવા પક્ષીઓ ડગલા ભરીને નહી પણ બંને પગ ઊંચકીને કૂદકા મારી ચાલે છે. બગલા અને ચાતક જેવા પક્ષીઓ બંને પગે ડગલા માંડી ચાલે છે.
પક્ષીઓના ચાલવાની આ વિવિધતા તેના પગના આકાર ઉપર આધાર રાખે છે. પક્ષીઓનું કામ ઊડવાનું એટલે વધારાનો બોજો પોસાય નહી. કુદરતે તેમને પાતળા અને ઓછા વજનના બે જ પગ આપ્યા છે જેના દ્વારા તે પોતાનું સંતુલન કરી શકે છે.

દરેક પક્ષીને પગમાં ચાર આંગળા હોય છે. ત્રણ આગળ અને એક પાછળ, પાછળની આંગળી ટૂંકી હોય છે. પક્ષીઓના પગ તેમના જીવનક્રમ ચલાવવામાં મદદરૃપ થાય તેવા ઘડાયા છે. બતકને તો પાણીમાં તરવાનું હોય એટલે તેના આંગળા ચપટા અને હલેસા જેવા જેવા જોવા મળે છે.
લક્કડખોદને ઝાડના બરછટ થડ પર, પથરાળ જમીન પર ચડવાનું એટલે તેને આંગળામાં હૂક જેવા નહોર હોય છે. મોરને ત્રણ આંગળા હોય છે અને જમીન ખોતરવા માટે નખ હોય છે.

દરેક પક્ષીને ચારે આંગળાના કેન્દ્રમાં સ્પ્રીંગ જેવા સ્નાયુ હોય છે. ડાળી ઉપર બેસે ત્યારે આ સ્પ્રીંગ દબાઈને આંગળાને વળાંક આપીને ડાળી ફરતે જકડી લે છે. પક્ષીના આંગળા એક જ દિશામાં વળી શકે છે.
ઉપરની તરફ વળતાં નથી એટલે તેમને ચાલવામાં મુશ્કેલી પડે છે. પરંતુ તેમને ચાલવાનું ઓછું હોય છે. શાહમૃગ ઊડી શકતું નથી એટલે કુદરતે તેને લાંબા પગ અને મજબૂત પંજા આપીને લાંબી છલાંગ અને દોડવાની એનોખી રચના કરી આપી છે.