પક્ષીઓને હવામાન, વરસાદ, ગરમી- ઠંડી અને અન્ય શિકારી પક્ષીઓથી સૌથી વધુ રક્ષણ મેળવવું પડે. વળી તેને ઇંડા પણ સાચવવા પડે. આ માટે પક્ષીઓમાં વિવિધ પ્રકારના માળા બાંધવાની કળા વિકસી છે.
કેટલાક પક્ષીઓ તે અદ્ભૂત એન્જિનિર હોય તેવા માળા બાંધે છે. સુગરીનો વોટર પ્રૂફ માળો જાણીતો છે. દરજીડો પાંદડામાં સિલાઈ કરીને માળા બનાવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનુ બોવરબર્ડ નામનું પક્ષી તો જમીન પર બે મિનારા અને તેને જોડતા પૂલ જેવો અદ્ભૂત માળી બનાવે છે. માળામાં રહેવાની કે ઇંડા મૂકવાની જગ્યા હોતી નથી એટલે તે શા માટે માળો બાંધે છે તે પણ એક રહસ્ય છે.
માત્ર પોણો ફૂટ લંબાઈનું આ પક્ષી આસપાસમાંની સળીઓ એકઠી કરી બે મિનારા તૈયાર કરે છે. મિનારા વચ્ચે ચાર પાંચ ફૂટનું અંતર હોય છે. બંને મિનારાની ટોચને જોડતો લાકડી અને રેસાનો બનેલો પુલ બનાવે છે. બે મિનારા અને પૂલ એટલી ચિવટ અને ચોક્સાઈથી બનાવે છે કે એન્જિનિયરોને પણ આશ્ચર્ય થાય, બોવરબર્ડ માળામાં આસપાસથી રંગીન કાંકરા કે ચીજવસ્તુઓ વીણી લાવીને સુશોભન પણ કરે છે.