સાસણ ગીર આમ તો ખાસ બે બાબતો માટે જાણીતું છે. એક તો સિંહ અને બીજું કેસર કેરી. પરંતુ આજે અમે એક નવા ગીરની ઓળખ કરાવવા જઇ રહ્યા છીએ. જુનાગઢ માં એક ગીરનાર પહાડ અને તેની આસપાસ નું જંગલ ગીર નો જ એક ભાગ છે અને આ વિસ્તાર દેવી દેવતાઓ ની ભૂમિ તરીકે ઓળખાય છે.
અનેક દેવી દેવતાઓનો અહી વાસ હોવાની આસ્થા અહીં આવતા શ્રધ્ધાળુઓ સાથે જોડાયેલી છે. અનેક મહાત્માઓ તપસ્વીઓ પુણ્યઆત્માઓ અહીં જન્મ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અહીં આવી ગાઢ જંગલોમાં તપ કરી મહાપુરૂષો આત્મસિદ્ધ થયા હતા. આવો જાણીએ આવા તપસ્વીઓ અને દેવી દેવતાઓની પવિત્ર ભૂમિ ને અને તેની ગોધમાં આવેલ કેટલાક સ્થળો કે જ્યાં જવાનું મન અચૂક થઇ જાય.

૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ ગણાતો ઉંચો ગઢ ગીરનાર પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગીરનાર ની ગોદ પ્રકુતિ અને રમણીય સ્થળો થી ભરેલી છે. જેની મુલાકાત તમને હમેશા આનંદ આપશે.
ગીર સાસણ આમ તો મુખ્ય ત્રણ જિલ્લા માં વિસ્તરાયેલું છે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. આજે આપણે ગિરનો ગઢ ગણાતા જૂનાગઢ જિલ્લા ની ઓળખ મેળવીએ. હું મૂળ જૂનાગઢ માં જન્મી મોટી થઈ અને વ્યવસાયે પણ અહીં જ છું. એટલે જુનાગઢ પ્રત્યે પ્રેમ અતૂટ હોય એ સ્વાભાવિક છે. પરંતુ આપ જો કોઈ વાર જૂનાગઢ આવો અને ગીર અને ગિરનાર ને માણો તો તમને પણ જૂનાગઢ ફરી આવાનું મન ચોક્કસ થશે.
અવધૂત તરીકે ઓળખાતા પર્વત ગીરનારની ગોદ માં વસેલું જૂનાગઢ અને તેમાં આવેલા તીર્થ ધામો એક અલૌકિક ભક્તિથી રંગાયેલા છે. ગિરનાર જંગલ આમ તો ગાઢ જંગલો અને ખળખળ કરતી નદીઓથી પ્રકૃતિમય વાતાવરણ ઉભું કરે છે. અને એમાં જંગલી પ્રાણીઓ અને ગીરની ઓળખ સિહંની ગર્જના ગિરનાર ને ધ્રુજાવી દે છે. હવે જોઈએ ગિરનાર અને તેની ગોદ માં આવેલ ધાર્મિક સ્થળો.જે જોવા માણવાનો અચૂક લાભ લેવા જોઈએ .
સરખાડીયા હનુમાન:

ગિરનાર ની ગોદ માં આવેલ હનુમાન ભગવાન નું આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે અહીં આવેલ કોઈ ભક્ત પોતાનું ધાર્યું કરવા મનોબળ મેળવે છે. ચારેબાજુ લીલીછમ વનરાઈ અને એકદમ નજીક વહેતી નદી,આસપાસ વિચરતા નીલગાય, સાબર અને હરણાં હમેશા અહીં જોવા મળે છે.
અહીં એક હનુમાનજીની વિશાલ પ્રતિમા છે. જેની સામે અખંડ ધૂન વર્ષોથી અવરીત ચાલુ છે. જ્યારે બાજુમાં જ ભોલેનાથ નું મંદિર આવેલ છે. અહીં બારેમાસ અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં હજારો ભક્તો પ્રસાદ લે છે. અહીં આવવાનો માર્ગ ખૂબ સાંકડો અને પથરાળ છે.
તેમજ સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓની અવરજવર અહીં રહેતી હોવાથી અહીં આવવા જવા માટે વન વિભાગ ની પરવાનગી લેવી જરૂરી છે. તેમજ આ સ્થળ પર રાત્રી વાસ કરવાની મનાઈ છે. દિવાળી અને ઉનાળાની રજાઓમાં અહીં યાત્રિકો વધુ આવે છે.
અહીં આવવા માટે જૂનાગઢ થઈ ભેસાણ રૂટ પર જતાં માલનકા ગામ પાસે રસ્તો છે જે સીધો સરખાડીયા હનુમાન સુધી પહોંચાડે છે. શક્ય હોય તો કાર કે ટુ વહિલર દ્વારા જઇ શકાય છે એડવેન્ચર અને સાહસિક લોકો માટે આ એક ઉત્તમ સ્થળ છે સાથે સાથે પીકનીક પોઇન્ટ તરીકે પણ હવે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઝીણા બાવાની મઢી:

ગીરની ગોદ માં ઝીણા બાવાની મઢી એક જાણીતું સ્થાન છે. કહેવાય છે કે સદીઓ પહેલા ઝીણા બાવા નામના સાધુ એ અહી વર્ષો સુધી તપ કરી પોતાની સાધના સિદ્ધ કરી હતી. જ્યાં આજે પણ પૌરાણિક મંદિર છે.
જયારે કાર્તિકી પૂર્ણિમા પર ગીરનાર ની પરિક્રમા દરમિયાન લાખો યાત્રાળુઓ દર્શાર્નાથે આવે છે. અહી આવતા રસ્તામાં એક વડલો આવે છે. કહેવાય છે અહી મહાકાલી માતાનું સ્થાનક છે અને જે કોઈ અહી માનતા માટે આવે એની માનતા અચૂક પૂર્ણ થાય છે.
ઝીણા બાવા ની મઢી એ એક અદ્દભુત જગ્યા છે. જ્યાં તમને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. સામાન્ય રીતે તે ગાઢ જગંલ માં આવેલ હોવાથી અહી લોકો રજા ના દિવસોમાં વધુ આવવાનું પસંદ કરે છે. અને શિયાળાની ઋતુ કે ઉનાળામાં અહી ભારે ભીડ જોવા મળે છે. લોક અહી સવાર થી સાંજ ફરવા આવતા હોય છે.
બોરદેવી :

જંગલ ની મજા ને પ્રકૃતિનું સાનિધ્ય માનવું હોય તો જંગલની અંદર આવેલ બોરદેવી માતાજી ની જગ્યા છે જ્યાં આસપાસ ગઢ જંગલ અને ખળખળ કરતા ઝરણા અને નદીઓ છે. અહી જંગલી પ્રાણીઓ આવતા હોવાથી રાતવાસો કરવાની તો મનાઈ છે.
પરંતુ દિવસ દરમિયાન તમે પીકનીક કે ફરવા માટે જઈ શકો છો. આ સ્થળ ગીરનાર તળેટીની ગોધમાં આવેલ છે. એટલે કે ભવનાથ થી આશરે 8-10 કિમી જંગલ ની અંદર જવાનું છે. પ્રકૃતિને માણતા અને ગઢ જંગલોમાં ડરતા ડરતા જવાની એક ઓર મજા છે .કાર્તિકી પૂર્ણિમા પર ગીરનાર ની પરિક્રમા અહી જ પૂર્ણ થાય છે. આ છેલ્લો વિસામો છે. જ્યાં યાત્રિકો માટે આખરી પડાવ છે જ્યાં ચાર દિવસ ના થાકેલા યાત્રિકો આરામ કરે છે અને માતાજીના દર્શન કરી યાત્રા પુર્ણ કર્યાના સુખ નો અનુભવ કરે છે.
બોરદેવી આમ તો રાજાના દિવસો અને વિકેન્ડ દરમિયાન જ લોકોની અવાર જવર હોય છે. બાકીના દિવસોમાં અહી વધુ લોકો આવતા જતા નથી. અહી જમવા અને ચા પાણીની વ્યવસ્થા નિ:શુલ્ક મળી રહે છે.
જટાશંકર :

ગિરનારની ગોદમાં આવેલ આ સૌથી રમણીય અને સુંદર સ્થળ છે. જ્યાં શિવજીનું સુંદર મંદિર છે જે જટાશંકર તરીકે ઓળખાય છે. કારણકે અહી મંદિર ની પાછળ ગીરનાર નું સૌથી મોટું ઝરણું વહે છે.
જે ચોમાસામાં અતિ રમણીય લાગે છે જાણે શિવજીની જટા માંથી જ ધારા વહેતી હોય એવું લાગે છે. જટાશંકર અતિ સુંદર સ્થળ હોવાથી શ્રાવણ માસમાં અહી લોકોની ભારે ભીડ જોવા મળે છે. અહી બ્રાહ્મણો ને દેવતા પરશુરામજી નું પણ મંદિર છે. જેથી પણ આસ્થળે લોકોની અવર જવર વધુ જોવા મળે છે.દુર દુર થી અહી પ્રવાસ માં લોકો આવે છે. જેમાં પરિવારો , વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના પ્રવાસ હોય છે. અહી જમવાનું બનાવી ને સૌ પ્રેમ થી આરોગે છે અને પ્રકૃતિ નો આનંદ માણે છે.
અહીયા આવા માટે આમ તો સાંકડી કેડી અને પગદંડી જ છે જે ચોમાસામ ખુબ જ લપસણી બની જાય છે. આમ છતાં લોકો અહી પહોંચે છે અને આનંદ માણે છે. રસ્તામાં જોવા મળતા હજારો વાંદરાઓ અને પક્ષીઓ ના કલરવ થી વાતાવરણ અલૌકિક લાગે છે.

આ કોઈ એક સ્થળ કે મંદિર ની વાત નથી ગીરનાર ની ગોદમાં હજારો મંદિરો અને પ્રકૃતિના ધામો આવેલાં છે. જે જોવા જોઈએ તો આયખું પણ ટૂંકું પડે. પરંતુ આ આજે આપને જે સ્થળોની વાત કરી તે હવે પ્રચલિત બન્યા છે. જ્યાં દુર દુર થી ખાસ લોકો કુદરત ને માણવા આવે છે. અને પ્રકૃતિના અ નજારા ને ભૌતિક જીવન થી દુર જઈ મન ભરીને માણવા આવે છે.
જો કે અહી આવા જવાના તમામ રસ્તાઓ પર વન વિભાગની મંજ્રુરી લઇ ને જવા દેવામાં આવે છે. આમ છતાં બેમાસ દરમિયાન લોકોને અવાર જવર કરવા દેવાય છે. સવાર થી સાંજ રેવાની મંજુરી વન વિભાગ આપતું હોય છે.આ સ્થળો પર રાત્રવાસો કરવાની સખત મનાઈ છે. કારણક અહી જંગલી પ્રાણીઓ ની સુરક્ષાનો પશ્ર્ન છે.