HomeAnimalsJungle Catજંગલી બિલાડી ( Jungle Cat )

જંગલી બિલાડી ( Jungle Cat )

વાઘ બિલાડી કે વાઘર બિલ્લા તરીકે જાણીતી આ બિલાડી રહેણાક વિસ્તારની આજુબાજુમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને તે રાત્રીના સમયે રહેણાક વિસ્તારમાં ખોરાકની શોધમાં પણ આવે છે.

જંગલી બિલાડી સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. 60 થી 80 સે.મી લંબાઈની આ બિલાડી દેશી બિલાડી કરતા મોટી હોય છે. તે સ્વભાવે ઉગ્ર અને શિકારી હોય છે. આખા વર્ષ દરમિયાન કોઈપણ સમયે બચ્ચાને જન્મ આપે છે. ખાસ કરીને તે એક સાથે બે થી ત્રણ બચ્ચાને જન્મ આપે છે. જંગલી બિલાડીનું શરીર પીળું ભુખરૂ હોય છે અને તેનો પાછળનો ભાગ એટલે કે પુછડીનો ભાગ કાળા રંગનો હોય છે. જંગલી બિલાડીના કાન તેની ખાસ ઓળખ હોય છે. જંગલી બિલાડીના કાનની પાછળના ભાગમાં કાળા ટપકા હોય છે. અને કાનનો રંગ ઘેરો હોય છે.

રહેણાક વિસ્તારની આજુબાજુ અને નદીનાં કોતરમાં રહેતી આ બિલાડી જંગલ વિસ્તારમાં પણ જોવા મળે છે. જંગલી બિલાડી માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. ઘણી વખત રાત્રીના સમયે જંગલી બિલાડી શિકારની શોધમાં રહેણાક વિસ્તારોમાં પણ સહેલાઈથી જોવા મળે છે. જંગલી બિલાડી ખાસ કરીને ઉંદર અને છછુંદરનો શિકાર કરે છે. અને કયારેક કયારેક નાના પક્ષીઓ અને નાના પ્રાણીઓનાં બચ્ચાનો શિકાર કરે છે. ભારતના ઘણા વિસ્તારોમાં જંગલી બિલાડી જોવા મળે છે. જંગલી બિલાડી સ્વભાવે ઉગ્ર હોવાથી રહેણાક વિસ્તારમાં ઘુસી જઈને સસલા, બિલાડી જેવા પાલતું પ્રાણીનો શિકાર પણ કરી લે છે. જંગલી બિલાડી શાહુડી જેવા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે. ઘણી બિલાડીના પગ માંથી શાહુડીના કાંટા મળી આવ્યા છે.

હિમાલયની અંદાજે 2400 મીટર જેટલી ઉંચાઈથી લઈને સમગ્ર ભારતમાં આ બિલાડીનો વ્યાપ જોવા મળે છે. તેજ રીતે ગુજરાતમાં પણ તે બધાજ વિસ્તારોમાં જોઈ શકાય છે. જંગલી બિલાડી લાંબા પંગની સરખામણીમાં ટુંકી પુંછડી ધરાવતી હોઈ તેનો દેખાવ જુદો તરી આવે છે. તેની શરીર પરની રુવાંટીભરી ચામડી કથ્થાઈ કે રેતાળ પડતા ભુખરા રંગની હોય છે. પુંછડીના કિનારાવાળા ભાગમાં કાળા રંગના પટ્ટા અને પુંછડીનો છેડો કાળા રંગનો હોય છે. જંગલી બિલાડીના લાલાશ પડતા કાનની ઉપલી કિનારીના ભાગે નાના-નાના કાળા રંગના વાળ જોવા મળે છે. આ જંગલી બિલાડીની આછા લીલા રંગની આંખો તેનો દેખાવ ડરામણો બનાવે છે. આગલા પગના અંદરની તરફ કાળા રંગના પટ્ટા જોવા મળે છે.

જમીન પર ફરતી આ બિલાડી એકલી અથવા તો કયારેક જોડીમાં જોવા મળે છે. જંગલી બિલાડી પોતાના જરૂરીયાત મુજબ રાત્રી અથવા દિવસના સમયે ખોરાકની શોધમાં ફરતી હોય છે. જંગલી બિલાડી ખાસ કરીને ગીચ જંગલ વિસ્તારને બદલે આછા ઝાડીવાળા જંગલ વિસ્તારો, નદીકિનારા, અને ઘાસિયા પ્રદેશમાં રહેવા ટેવાયેલી હોય છે. જંગલી બિલાડી અવારનવાર માનવ વસાહતોમાં જઈને માણસોથી ડર્યો વગર પાલતું મરઘીઓનો હિંમતપુર્વક શિકાર કરે છે. જંગલી બિલાડી અવાજની દિશા તરફ કાન ઉંચા કરીને જુએ છે. અગાઉ ઘણા વિસ્તારમાં જોવા મળતી આ બિલાડીની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. ખાસ કરીને જંગલી બિલાડી વિષ્ટા કર્યા બાદ તેને માટીથી ઢાંકી દેવાની આદત ધરાવે છે. આ રીતે કદાચ તે પોતાની હાજરી જાહેર ન થઈ જાય તેની કાળજી લેતી હશે.

- Advertisment -