પાંખા નામથી ઓળખાતી આ ખિસકોલી હવામાં ગ્લાઈડિંગ કરે છે તેથી તે ઉડતી ખિસકોલી કહેવાય છે.
ઉડતી ખિસકોલીની લંબાઈ 37 સે.મી હોય છે. તેની પુંછડીની લંબાઈ 41 સે.મી હોય છે. તેનું વજન 1.5 થી 2 કિ.ગ્રા હોય છે. ઉડતી ખિસકોલીનું આયુષ્ય 15 થી 17 વર્ષનું હોય છે. સામાન્યરીતે આ ખિસકોલી ભુખરા રંગની અને આકારમાં સામાન્ય ખિસકોલી કરતા મોટી હોય છે. ઉડતી ખિસકોલી ખોરાકમાં ફળ, ફુલ, પાન, બીજ, જીવડાં, કોશેટા વગેરે ખાય છે.
ઊડતી ખિસકોલી શુલપાણેશ્ર્વર અભયારણ્યમાં કાલવટ, વાવ, દુથર વગેરે વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી નિશાચર હોય છે. ઉડતી ખિસકોલી સમી સાંજમાં પણ ખોરાકની શોધમાં જોવા મળે છે. તેમજ તે આખી રાત ખોરાક માટે ફર્યા કરે છે. દિવસ દરમિયાન આ ખિસકોલી વૃક્ષની બખોલમાં કે ઘાટી ડાળખીઓમાં સુતી જોઈ શકાય છે. રાત્રીના સમયે તે એકધારો અવાજ કર્યો કરે છે.
ભારતીય દ્રિપકલ્પ વિસ્તારમાં આ ખિસકોલી જોવા મળે છે. ગુજરાતમાં રતનમહાલ, કેવડી અને શુલપાણેશ્ર્વરના જંગલ વિસ્તારોમાં નોંધાઈ છે. ડાંગ વિસ્તારમાં તેને “પાંખા” તરીકે અને છોટાઉદ્દેપુર વિસ્તારમાં તેને “પાંખરૂ” તરીકે સ્થાનિક લોકો ઓળખે છે.
આવી ખિસકોલીઓ ખરેખર પક્ષીની જેમ ઉડતી નથી. પરંતુ એક ઉંચા વૃક્ષ પરથી થોડે દુર આવેલ બીજા ઉંચા વૃક્ષની નિચેની તરફની ડાળી પર એક લાંબી છલાંગ લગાવે છે. તેમ કહી શકાય છે. આગળના એને પાછળના પગો વચ્ચે જોડાયેલી વધારાની ચામડીની મદદથી તે હવામાં થોડાક અંતર સુધી સરકી શકે છે. મોટી ઊડતી ખિસકોલી વિશેષતા એ છેકે આવી વધારાની ચામડી પગની એડીના ભાગેથી લઈને પુંછડી સાથે પણ તે જોડાયેલી હોય છે.
આ ખિસકોલીના માથાથી લઈને શરીર પરનો રંગ બદામી કે કોફી જેવો કંથ્થાઈ રંગનો હોય છે. અમુક વિસ્તારમાં તે ભુખરા રંગની પણ જોવા મળે છે. ગળું, છાતી, અને પેટવાળો ભાગ આછા ભુખરા રંગનો હોય છે કાન મોટા હોય છે. જેની કિનારી લાલશ પડતા કથ્થાઈ રગંની હોય છે. પુંછડી એક સરખી કથ્થાઈ પડતા ભુખરા રંગની હોય છે. કેટલીક ખાસ ખિસકોલીમાં પુંછડીની ટોચ ઘટ્ટ રંગની હોય છે.
સુર્યાસ્ત થતાની સાથે જ તેના વૃક્ષ પરના રહેઠાણ માંથી ભ્રમણ માટે એકલવાયી નીકળી પડે છે. કયારેક મધ્યરાત્રે પરત ફરે છે. અને ખોરાક ન મળ્યો હોય તો વહેલી સવાર સુધી વૃક્ષો પર ફરતી રહે છે. વૃક્ષોના થડ પર તે કુદતાં કુદતાં જોવા મળે છે.
ફળ, બીજ, છાલ, ગુંદર, કે જીવડાં ખાતી વખતે તે તેના આગળના બે પગ વડે ખોરાકને પકડીને મોઢા આગળ રાખીને આગળના દાંત વડે કોતરતી કોતરતી ખાય છે. ખોરાક કઠણ હોય તો તેનો અવાજ પણ આવે છે. તેની આ ખાસીયતને લીધે કર્તનશીલ પ્રાણીઓમાં સમાવિષ્ટ થયેલી છે. એક બીજા સાથે અવાજથી સંપર્કમાં રહે છે. ચીસ પાડીને મોટે ભાગે ભય વ્યકત કરે છે.
આ ઊડતી ખિસકોલી ટકી રહેવા માટે ગીચ જંગલની આવશ્યકતા રહે છે. ખુબ જ મોટા વૃક્ષો અને તે પણ એક બીજાની નજીક નજીક હોય તો જ અનુકુળ ગણાય. તેને લાયક જંગલો ઘટવાને કારણે અગાઉ પણ જે ખિસકોલી ખુબ જ ઓછી કે કયારેક જ જોવા મળતી હતી. તે હવે તદ્દન ઓછી થઈ જવા પામી છે તે એક ચિંતાનો વિષય છે.