વડોદરાની નજીક ઈડરિયા ડુંગરની અનુભૂતિ આ વિશાળ ખડકો ધરાવતા ડુંગરો કરાવે છે.
ઇડર નો ડુંગર એની તોતિંગ શિલાઓ માટે મશહૂર છે.એના વિશાળ ખડકો જાણે કે પ્રકૃતિની રમ્યતા અને ભવ્યતાના ગીતો સદીઓ થી ગણગણી રહ્યાં છે.

જો કે ગીત ગાતાં પથ્થરો ને સાંભળવા હોય તો છેક ઇડર સુધી જવાની જરુર નથી.બસ વડોદરા થી પાવાગઢ થઈને ઘોઘંબા તરફ જાવ તો ચેલાવાડા પાસે નાના નાના ડુંગરો પર,અગણિત શિલાઓ જાણે કે વિખ્યાત ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામ ની કલ્પના અને રામલાલ ના અવિસ્મરણીય સંગીતને સાકાર કરતાં ગીતો ગણગણી રહી છે.
સાંસો કે તાર પર, ધડકન કી તાલ પર..
દિલ કી પુકાર કા, રંગ ભરે પ્યાર કા, ગીત ગાયા પથ્થરો ને…

આ ડુંગરો પર ઠેર ઠેર મોટા મોટા ખડકો કોઈ ટેકા વગર એકબીજાને અઢેલી ને વર્ષો થી અડીખમ કોઈની પ્રતીક્ષા કરી રહ્યાં છે.ડુંગર પરથી દૂર દૂર વહેતી નદીનો નજારો જોનાર માટે નયનરમ્ય બની રહે છે.હરિયાળી એની શોભા વધારે છે. માતા પ્રકૃતિની બરછટ સુંદરતા પથરાળ હોવા છતાં રમ્ય લાગે છે.
આ ચેલાવાડા આદિજાતી સમુદાયો ના પ્રકૃતિ ના દેવ જેવા બાબાદેવનું તીર્થ ધામ છે. વડોદરામાં વસતા અને પંચમહાલ,છોટાઉદેપુર,મધ્ય પ્રદેશના મુખ્યત્વે રાઠવા અને અન્ય આદિજાતિ સમુદાયો અત્રેના આ ડુંગરવાસી દેવમાં ખૂબ શ્રધ્ધા ધરાવે છે.

પાવાગઢ થી ઘોઘંબા ના રસ્તે મસ્ત ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે.લોકો અહીં બાધા માનતા પૂરી કરવા ,દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટી ના ઘોડા ચઢાવવા,બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે.આ ખૂબ પવિત્ર દેવ થાનક(મંદિર) છે.

દેવ નામની એક નાનકડી નદી આ ડુંગરમાં થી જ નીકળે છે.બાબા દેવના પવિત્ર ડુંગરમાં થી નીકળતી હોવાથી જ એનું નામ દેવ પડ્યું છે.નદી એટલે શું? કાળમીંઢ ગણવામાં આવતી શિલાઓ નું હૈયું પીગળે અને હર્ષના જે આંસુ ઝરણાં ના રૂપમાં રેલાય એ જ આગળ જૈને નદી બને.

પથ્થરો પણ રમ્ય હોય એની અનુભૂતિ આ જગ્યા કરાવે છે. મધ્ય ગુજરાતના દેવગઢ બારીયા,રતન મહાલ,છોટાદેપુર માં તેજગઢ અને કેવડી પાસે આવા પથ્થરિયા ડુંગરો આવેલા છે જે સ્ટોન ટુરિઝમ પથ્થર પ્રવાસનનો એક નવો આયામ બની શકે તેવા છે.
Nitin Parmar/Hardik Parmar
ફરી એક વાર પથ્થરો ના ગીતની કડી યાદ કરીએ…

ઇનમે નહીં હૈ ઇન્સા કા ભેદભાવ, ટુકડે હૈ યે એક દિલ કે,
ચાંદી કે રાગ પર, એકતા કી તાન પર…

ચેતવણી: અહીં જે કોઈ આવે એનો આશય પ્રકૃતિને માણવાનો હોવો જોઈએ.કાળજી સાથે ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓ અહીં માણી શકાય.હા સેલ્ફી લેતાં કે ફોટો પાડતા સમયે અવિચારી સાહસ ન કરવા અને સુરક્ષિત રહેવું.તેની સાથે આ દેવના ધામ જેવા પવિત્ર ડુંગરોમાં પ્લાસ્ટિક કે ખાદ્ય પદાર્થો કે અન્ય કચરો ન છોડી પ્રકૃતિની પવિત્રતા ની આમન્યા અવશ્ય જાળવવી.
Writer: Suresh Mishra, Nature lover, and Traveller
મધ્ય ગુજરાતની હરિયાળી શોભા અને પ્રકૃતિનું નજરાણું એટલે જાંબુઘોડાનું પાઘડીપને પથરાયેલું જંગલ