સિંધુદુર્ગ જિલ્લાની પણ એક અલગ જ ઓળખાણ છે. ગણેશપુલેથી સિંધુદુર્ગના માલવણ જવા માટે લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગે છે. શિયાળાની સવારમાં જ્યારે અહીંના રસ્તાઓ ઉપરથી પસાર થાવ ત્યારે જાણે ધુમ્મસે પોતાની ચાદર રસ્તાઓને ઓઢાળી દીધી હોય તેવું લાગે છે. ઝાડના પાન પણ ઝાકળથી તાજા ખીલીને હમણા જ ફૂટ્યા હોય તેવા કૂમળા જોવા મળે છે. કુદરતનું અદ્દભુત સૌદર્ય અહિયા જોવા મળે છે.

ક્યારેક ગાઢ જંગલો તો ક્યારે પર્વતોની વચ્ચે ગાડી ખોવાઈ જતી હતી. અહીંની ખાસિયત એ છે કે જ્યારે પણ જંગલવાળા રસ્તેથી પસાર થાવ ત્યારે ચાર-પાંચ ફૂટના અંતરે જંગલોમાં વસતા પ્રાણીઓના ચિત્રો દોરવામાં આવ્યા છે. જેથી તમને આ જંગલમાં કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે તેની માહિતી મળે છે. સિંધુદુર્ગ નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. અહીં દરિયાની વચ્ચે કિલ્લો બનાવવામાં આવ્યો છે જેના પરથી સિંધુદુર્ગ નામ પડ્યું છે. માલવણના દરિયાની અંદર આ કિલો ઈ.સ 1664માં બાંધવામાં આવ્યો છે.

અને આ કિલ્લાની અંદર આજે પણ ત્રણ મીઠાપાણીના કૂવા છે. માલવણ એક નાનું ગામડું છે અહીં સાત વાગતા જ લોકોના ઘરના દરવાજા બંધ થઈ જાય છે અને સવારે પાંચ વાગ્યે આખુ ગામ જાગી જાય છે. ગોવાની નજીક હોવાથી અહીંના ઘરો પણ ફ્રેંચ સ્ટાઈલથી બાંધેલા જોવા મળે છે. એટલે તે મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. ગોવા જેવા જ બીચ અને ત્યાં થતી તમામ વોટર એક્ટિવીટી અહીં થાય છે. અહીં રહેવા માટે હોટેલ અને હોમસ્ટે બંનેનો ઓપ્શન મળે છે. જો તમારે ખરેખર મરાઠી સંસ્કૃતિ જાણવી હોય અને મહારાષ્ટ્રીયન લોકો જોડે રહેવું હોય તો હોમસ્ટે બેસ્ટ ઓપ્શન છે.

દરિયાની નજીક પણ ઘણા હોમસ્ટે બાંધવામાં આવ્યા છે. ખાસ કરીને લોકો અહીં વોટરએક્ટિવીટી માણવા જ આવે છે. અહીં પેરાસિલિંગ, સ્કૂબાડાઈવીંગ, સ્નૂરક્લિંગ, બનાના રાઈડ જેવી અનેક એક્ટિવીટી થાય છે. અહીં આવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ડિસેમ્બર છે વરસાદના સમયમાં આ તમામ એક્ટિવીટી બંધ કરી દેવામાં આવે છે અને ડિસેમ્બરમાં પાણી ચોખ્ખુ હોવાથી સ્કૂબા ડાઈવિંગમાં કોરલ અને દરિયાઈ જીવો સ્પષ્ટ દેખાઈ છે. સવારના 11:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી આ એક્ટિવીટી ચાલુ રહે છે.

રાત્રે દરિયાકિનારે બેસીને ડિનર કરવાનો અનુભવ પણ અહીં માણવા જેવો છે. જો તમે હોમસ્ટેમાં રહેશો તો દરેક ડિશમાં નારીયેળનું છીણ જોવા મળશે. સૌથી વધારે અહીં નારિયેળી થતી હોવાથી દરેક ડીશમાં કોપરુ જોવા મળે છે.સોલકઢી અને કોકમકઢી અહીંનું પ્રખ્યાત પીણું છે જો દરિયાના ઠંડા પાણીમાં નાહીને આ પીવો તો શરીરમાં ઠંડીનું નામોનિશાન નહીં રહે. શહેરના લોકો અહીં બે-ત્રણ દિવસથી વધારે રહી જ ના શકે કારણકે અહીં શહેર જેટલી સુખ-સુવિધા નહીં, રાત્રે ક્યાંય પણ સ્ટ્રીટ લાઈટ જોવા ન મળે, રાત્રે બહાર નીકળવા માટે લોકો ટોર્ચનો સહારો લે છે. તોપણ અહીંના લોકો ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

પહેલીવાર જ્યારે માલવણ આવો ત્યારે એવું લાગે કે કેવું છે આ ગામ, કેવા હશે અહીંના લોકો, એકલા તો અહીં બહાર પણ ના જવાય પણ અહીંના લોકોના દિલ દરિયા જેટલા વિશાળ છે હોમસ્ટેમાં રહો તો તેમના પરિવાર કરતા પણ વિશેષ રાખે છે. શહેરની રોજિંદી જિંદગીથી ક્યારે પણ હતાશ થઈ જાવ કે ક્યારે પણ કુદરતના ખોળે એકલુ રહેવાનું મન થાય તો જગ્યા બેસ્ટ છે.

કેવી રીતે પહોંચવુ
બાય ટ્રેન-નજીકનું રેલ્વે સ્ટેશન કુડાલ તેમજ સરકારી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા સીધા માલવણ પહોંચી શકાય
જોવા લાયક સ્થળ
સિંધુદુર્ગ કિલ્લો, ચીવલા બીચ, સુનામી બીચ (દેવબાગ), તારકરલી નદી, રોક ગાર્ડન
તોંડાવલી બીચ (માલવણથી 19 કિ.મી), રામેશ્વર મંદિર (માલવણથી 22 કિ.મી)
વેતાળ મંદિર (માલવણથી 4 કિ.મી)