ગુજરાતમાં આમ તો જોવા લાયક ઘણા બધા પર્યટન સ્થળો છે. પણ તમે કદી કચ્છ વિશે વિચાર્યુ છે જાણ્યું છે. મોટા ભાગના લોકો વિચારતા હશે કે કચ્છ મતલબ રણપ્રદેશ ત્યાં શુ જોવા જેવુ હશે ? ત્યાં કંઈક જોવા મળશે કે કેમ ? ત્યાં તો ગરમી જ ગરમી હશે ? જેવા પ્રશ્ર્નો ચોક્કસ ઉદ્દભવશે પણ એવુ નથી કચ્છમાં આવેલ અભ્યારણ્યનો વિસ્તાર ખુબજ સુંદર અને મોહક છે. ચાલો તમને કચ્છમાં આવેલા અભ્યારણ્યની એક ઝાંખી કરાવીએ.
કચ્છ એટલે દૂર સુદૂર વેરાન જંગલ રેગીસ્તાન સિસકારા મારતી રેતીની આંધી, જંગલી ઘુડખર મૃગજળની પાછળ પાણીની શોધમાં આખા રણમાં આમથી તેમ ફરતાં દોડતાં અને ભાગતાં હોય તેમ જોઈ શકાય છે. ઉપરાંત વિશ્વના અન્ય જંગલી પ્રાણીઓ દેખાય તેવું આ કચ્છનું રણ સૌને આકર્ષે છે.
કચ્છમાં આવેલા અભ્યારણ્ય વિશે થોડું જાણીએ :
1 ) જંગલી ઘુડખર અભયારણ્ય- કચ્છનું નાનું રણ

આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે. ભારતમાં હાલમાં જેટલા જંગલી ગધેડા અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું ( 500 ચો.કીમી ) અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. આ આભ્યારણ્યની સ્થાપના વર્ષ 1973માં થઇ હતી અહી કુદરતની લીલા જોવા જેવી છે.
2 )નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય

વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે. ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે. મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે.
3 ) કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય

ભારતમાં સહુથી નાનું અભ્યારણ્ય તરિકે જેની ગણના કરી શકાય તે કચ્છ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય છે. જે કચ્છ જીલ્લાના નળિયા ખાતે આવેલું છે. આ અભ્યારણ્યના નામ પરથી જણાઈ આવે છે કે અહિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ખુબ ઝડપી ગતિથી દોડતું પક્ષી જેને સ્થાનિક ભાષામાં ઘોડાર કહે છે. તેનો વિસ્તાર છે. ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓનું ભારતમાં આ બીજું મોટું અભયારણ્ય છે. સૌથી મોટું બસ્ટાર્ડ પક્ષીઓનું પ્રથમ નંબરનું અભયારણ્ય પડોશી રાજય રાજસ્થાનનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે.

વર્ષા ઋતુમાં નદીનું પાણી તેમાં વરસાદનું પાણી ભળે અને તે પાણી સમુદ્રમાં સમાય તે જ સમયે દક્ષિણ પશ્ર્ચિમ પવન ફુંકાય તે સમયે કચ્છના રણમાં વિશાળ ક્ષેત્રમાં પાણીનું છીછરું તળાવ બની જાય છે. અને ઓક્ટોબર નવેમ્બરમાં સૂકાઇ જાય ત્યારે (સુપર હાઇવે) આખો રસ્તો બની જાય જેના ઉપરથી અનેક વાહનો પસાર થતાં દેખાય છે.
આ અભ્યારણ્યમાં ફરવાનો સમય વહેલી સવારનો છે. સવારે અને સાંજે ફરવા જવું હોય તો ધ્રાંગધ્રા, પાટડી અથવા વિરમગામ રેલ્વે સ્ટેશનની પાસેથી જીપ મળી જાય છે. ભલે તમે કોઇ પણ વાહનમાં જાવ, તમારી સાથે એક સ્થાનનું પૂર્ણ જ્ઞાન ધરાવતો ગાઇડ તમારી સાથે લઇ શકો છો. શિયાળાની ઋતુમાં આપ અહી વિવિધ પક્ષીઓને પણ જોઈ શકો છો.

તમારે રણના પ્રવાસનો સાચો અને સારો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ માટે જાવ તો મજા નહી આવે. કારણ કે વન્ય પ્રાણી જોવા માટેનું કોઇ પેકેજ ન હોઇ શકે. કારણ કે તમે તાજમહાલ જોવા જાવ તો તરત કહી શકો કે તમે તે જોયો પરંતુ વનમાં રહેતા વન્ય પ્રાણીઓની વાત કંઇક જુદી છે. તેઓ તેમના મૂડ મુજબ રહેતા હોય છે. અને તેમને તેમની કુદરતી મસ્તીમાં જોવાનો અનેરો લાહવો કાંઈક અલગ જ હોય છે.
વન્ય પ્રાણીઓને શોધવા પડે, તેઓ મોટા ભાગે એકાકી જીવન વીતાવતા હોય છે. વળી તમે અપેક્ષા કરી હોય તે અમુક જગ્યાએ મળશે તો કદાચ એવું ન પણ બને. વધુમાં વિશાળ વિવિધતામાં વસતા વન્ય પ્રાણીઓને ઓછા સમયમાં જોવાં એ લગભગ અશક્ય છે. રણમાં આવી કેમ્પમાં એકાદ રાત વીતાવો તો તમને પોતાને અનુભવ થશે કે તમે ત્યાંના વાતવરણ સાથે પોતાની જાતને કેવી રીતે એડજસ્ટ કરી શકો છો. આ ઉપરાંત મોડી રાત્રે આકાશમાં ટમટમતા તારલાઓને નાચતા જોવાનું દ્રશ્ય પણ તમે ભૂલી શકો નહી. જે શહેરીની ઝાકમઝોળ વચ્ચે જોવું અશક્ય છે.

કેવી રીતે જશો ?
સડક માર્ગેઃ
ઘુડખરનું અભ્યારણ્ય અમદાવાદથી 130 કિમી,
વિરમગામથી 45 કિમી, રાજકોટથી 175 કિમી,
ભૂજથી 265 કિમી દૂર છે, આ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.

રેલ માર્ગેઃ
ધ્રાંગધ્રા – 16 કિલોમીટર
અમદાવાદ – 130 કિલોમીટર
રાજકોટ – 175 કિલોમીટર
