વડોદરા,
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાંચમાં માળે બંધ મકાનની બાલ્કનીમાં ફસાયેલા કબુતરને લાશ્કરોના જવાનોએ પોતાના જીવના જોખમે રેસ્કયુ કર્યું હતું. ફતેગંજ વિસ્તારના ફતેહસાગર એપાર્ટમેન્ટના પાંચમાં માળે આવેલા એક કબુતર જાળી સાથે ફસાઈ ગયું હોવાની માહિતી ફાયરબ્રિગેડને મળી હતી. જોકે માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને કબુતરને બચાવાની કામગીરી હાથ ધરી હતી. એપાર્ટમેન્ટની બાલ્કનીની તુટી ગયેલી જાળીમાં ફસાયેલું હતું અને બીજી બાજુ તેને બચાવવા માટે ફાયરબ્રિગેડના જવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા. પરંતુ એપાર્ટમેન્ટના ફલેટમાં કોઈ રહેતું ના હોવાથી કબુતરને બચાવવું કામ સરળ ન હતું. તેમ છતાં ફાયરબ્રિગડના જવાનોએ પોતાના જીવના જોખમે બાલ્કનીની બહારની બાજુથી સતત અડધા કલાક સુધી જહેમત કરી હતી. આટલી જહેમતબાદ આખરે ઘવાયેલા કબુતરનું રેસકયુ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું હતું. જોકે ઘવાયેલ કબુતરને વધુ સારવાર માટે વનવિભાગને સોપવામાં આવ્યું હતું.