લંડન,
આકાશમાં પોતાની કરામતો બતાવતું મશહુર પક્ષી હેન હેરિયર્સની પ્રજાતિ લુપ્ત થવાના આરે હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ પક્ષી સમાન્ય રીતે બ્રિટનનું વતની મનાય છે. એક નવા અભ્યાસમાં આ પક્ષી પર મંડાઇ રહેલા ભયની ચેતવણી આપવામાં આવી છે. આ પ્રજાતિને અયોગ્ય રીતે મારી નખાતી હોઇ આ પ્રજાતિ વિલુપ્તતાને આરે છે. બ્રિટનની રોયલ સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ બર્ડ્સ દ્વારા કરાયેલા સર્વે અનુસાર છેલ્લા છ વરસમાં બ્રિટનમાં હેન હેરિઅરની કુલ સંખ્યા ૫૪૫ જોડમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. એટલેકે ૮૮ જોડ ઘટી ગઇ છે. બ્રિટનના લગભગ દરેક વિસ્તારમાં આ પક્ષીઓ ઘટી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં આ પક્ષીઓની પ્રજનન કરતી માત્ર ચાર જોડ બચી છે. સ્કોટલેન્ડમાં આપક્ષીઓની સંખ્યા ૫૦૫માંથી ઘટીને ૪૬૦ અને વેલ્સમાં ૫૭થી ઓછી થઇને ૩૫ બચી છે. ગેરકાયદે હત્યા ઉપરાંત ઠંડીઅને વરસાદ, નિવાસમાં પરિવર્તન વગેરેને કારણે પણ આ સંખ્યા ઘટી હોવાનું માની શકાય.