સસ્તન પ્રાણીઓમાં સાંભળવા માટે બહાર દેખાય તેવા બે કાન હોય છે. મોટા ભાગે કાન માથા પર આંખોની નજીક હોય છે. સસ્તન સિવાયના પ્રાણી જગતમાં વિવિધ છિદ્રો કે ચામડી પરના કોષો સાંભળવાનું કામ કરે છે.
કાનની રચના એવી હોય છે કે બહારના અવાજ એકઠા કરીને જ્ઞાાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચાડે. દરેક પ્રાણી પોતાની જરૂરિયાત મુજબ અવાજ સાંભળી શકે છે. માણસ અલ્ટ્રા સાઉન્ડ સાંભળી શકતો નથી. પ્રાણીઓને પોતાના રક્ષણ અને ખોરાકની શોધ માટે સાંભળવા ઉપર પણ આધાર રાખવો પડે. કુદરતે વિવિધ પ્રાણીઓમાં સાંભળવાની અદ્ભૂત શક્તિઓ આપી છે.
બિલાડી અને કૂતરા અત્યંત સુક્ષ્મ અવાજ સાંભળી શકે. એક પાંદડુ હલે તો ય બિલાડીના કાન સરવા થઈ જાય. ઉંદરના કાનની અંદરનું પોલાણ પહોળું હોવાથી તે બહારના અવાજને 100 ગણા મોટા સાંભળી શકે છે.
આફ્રિકાના ઈયર્ડ ફોક્સ પોતાના કાન જમીન તરફ વાળી શકે છે. સસલા પણ કાનની દિશા બદલી શકે છે. ચામાચિડિયા તો અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે અને પેદા પણ કરી શકે છે. માછલીને કાન હોતા નથી પણ કેટલીક માછલી ચામડીના કોષો દ્વારા અલ્ટ્રાસાઉન્ડનો અનુભવ કરી શકે છે.