ગુજરાતમાં જંગલોમાં વધતી જતી દીપડાની સંખ્યા માટે અમરેલી અને જાંબુઘોડામાં બે મેગા રેસ્ક્યુ સેન્ટર્સ સ્થાપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
રાજ્યના વનોમાં વધતી જતી દીપડાની સંખ્યા માટે અમરેલી અને જાંબુઘોડામાં બે મેગા રેસ્ક્યુ સેન્ટર્સ સ્થાપવાનો નિર્ણય સરકારે લીધો છે. આ નિર્ણયને સાકાર કરવા રાજ્યના વન વિભાગ હેઠળ વડોદરા વન્ય જીવ વિભાગે જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં મોટું કહી શકાય એવા મેગા દીપડા માેટે રેસ્ક્યુ સેન્ટરના નિર્માણની પ્રાથમિક પ્રક્રિયાઓ હાથ ધરી છે.
મધ્ય ગુજરાતમાં આવેલા રતન મહાલ અને જાંબુઘોડા અભયારણ્યો તથા છોટાઉદેપુરમાં કેવડીના જંગલો કુદરતી પરસાળથી જોડાયેલા છે. અને આ વિસ્તારમાં દીપડાઓનો વસવાટ છે અને હાલમાં વન વિભાગની કાળજી ભરેલી દેખરેખના પગલે દીપડાની સંખ્યા વધી છે. વિવિધ રીતે ઘાયલ થયેલા અથવા માનવ ઘર્ષણમાં આવેલા દીપડાઓને રાખી શકાય,સારવાર આપી શકાય અને જંગલમાં પુન:સ્થાપિત કરી શકાય તે માટે દીપડાની વસ્તીવાળા વિસ્તારોમાં નાના રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
જાંબુઘોડાના સાદરાના જંગલમાં ત્રણ પીંજરા અને બે યાર્ડ તેમજ ઘાયલ દીપડાની સારવારની સુવિધા ધરાવતું રેસ્ક્યુ સેન્ટર છે. ધનેશ્વરી માતાના ડુંગરની તળેટીમાં અને હાલના એ સેન્ટરની સામેના ભાગમાં આ નવું મેગા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ સેન્ટર મધ્ય ગુજરાતના સમગ્ર વન્ય જીવો માટે ઉપયોગી થશે.