HomeWild Wikiકુદરતની કરામત: સિગ્નેચર સ્પાઇડર કોઈએ સહી કરી હોય એવી જાળ ગુંથે છે

કુદરતની કરામત: સિગ્નેચર સ્પાઇડર કોઈએ સહી કરી હોય એવી જાળ ગુંથે છે

ભક્ષક જીવોને ભૂલાવામાં નાંખવા ઝીગઝાગ પેટર્ન બનાવે છે.

બચપણમાં એક કવિતા ભણવામાં આવતી.કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછતાય, વણ તૂટેલા તાંતણે,ઉપર ચડવા જાય આ કવિતામાં કવિ પરિશ્રમી કરોળિયાનો દાખલો આપી જીવનમાં સફળતા મેળવવા નાની મોટી નિષ્ફળતાઓથી વિચલિત થયા વગર જાળ ગૂંથતા કરોળિયાની માફક સતત પ્રયત્ન કરો એવો બોધ આપે છે.

આ વાત એટલે યાદ આવી કે વડોદરા વન વિભાગની સયાજીબાગ નર્સરી ખાતે પરિક્ષેત્ર વન અધિકારી ડો.નિધિ દવેએ એક જાળ ગૂંથતા કરોળિયાનો ફોટો લીધો જેનું નામ સિગ્નેચર સ્પાઇડર એટલે કે સહી કરતો કરોળિયો છે.

સહી કરતો કરોળિયો..નામ જ આશ્ચર્યજનક છે ને..એટલે ડો. નિધીને કુતૂહલ સાથે પૂછ્યું…

તેમણે જણાવ્યું કે આમ તો આ કરોળિયો ગુજરાતમાં જોવા મળે છે પણ અન્ય કરોળિયાથી એ અલગ એ રીતે છે કે આ કરોળિયો ઝિગઝાગ પેટર્ન માં જાળની ગૂંથણી કરે છે. સફેદ રંગની તેની જાળ કોઈએ સહી (સિગ્નેચર) કરી હોય એવી દેખાતી હોવાથી તેને આ કુતૂહલ પ્રેરક નામ મળ્યું છે.

ભક્ષક જીવોને ભુલાવામાં નાંખીને પોતાને સુરક્ષિત રાખવા તે આ પ્રકારની જાળ બનાવે છે. તેમણે તેની વધુ એક જોખમી ખાસિયત પણ જણાવી કે આ પ્રજાતિના કરોળિયામાં નર કરતાં માદાનું કદ મોટું હોય છે અને સાવધાન આ પ્રજાતિમાં સંવનન(મેટીંગ) પછી માદા નરને મારી નાંખે છે.ખરેખર પ્રકૃતિની વિવિધતા અપરંપાર છે એટલે જ પ્રકૃતિના સંરક્ષણમાં જ સાર છે. વન અધિકારીમાં વન,પર્યાવરણ અને પ્રકૃતિ માટે પ્રેમ અને વિસ્મય બંને હોવાં જોઈએ. ડો.નિધિ દવેની સહી કરતા કરોળિયાની આ તસવીર તેની અનુભૂતિ કરાવે છે.
- Advertisment -