ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા’ આ વાતને વધુ એકવાર સાબિત કરવા અમરેલીના આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ બનાવાશે. આંબરડી સફારી પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ. 25.67 કરોડના ખર્ચે હાથ ધરાનારા યાત્રી વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કરાયું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંબરડી સફારી પાર્કમાં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયનના દર્શનીય સ્થાન તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસનધામ તરીકે વિકસાવવું છે.
મુખ્યમંત્રીએ વન્ય પ્રાણીસૃષ્ટિના સંવર્ધનની રાજ્ય સરકારની કામગીરીના પરિણામે રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે અને ગીર વિસ્તાર બહાર હવે આંબરડીમાં પણ સિંહ દર્શનનો લાભ પ્રવાસીઓને મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ગાંધી ટુરિસ્ટ સર્કિટ અન્વયે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરથી શરૂ કરીને તેમના અભ્યાસ સ્થળ રાજકોટ, સાબરમતી આશ્રમ અને દાંડી સોલ્ટ મ્યુઝિયમની પ્રવાસન સુવિધા વિકસાવી છે. એટલું જ નહીં બૌદ્ધ ટુરીઝમ સર્કિટ અને કચ્છની ઇન્ટરનલ ટુરિઝમ સર્કિટમાં ભૂકંપના મૃતાત્માઓની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મૃતિ વન, અંજારમાં વીર બાળ ભૂમિ, માતાના મઢ, નારાયણ સરોવર અને ધોળાવીરાની ટુરિઝમ સર્કિટ પણ વિકસાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં અપાર પ્રવાસન વૈવિધ્ય છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, પાલીતાણા જેવા યાત્રા તીર્થધામો સાથોસાથ શિવરાજપુર બીચ સહિત સમુદ્ર કાંઠે પ્રવાસન પ્રવૃતિ અને પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા નડાબેટમાં સીમા દર્શન થી બોર્ડર ટુરીઝમ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.