નામીબિયાથી આઠ ચિત્તાઓને લઈને એક વિશેષ વિમાન ગ્વાલીયર પહોંચ્યું છે. અહીંથી તેમને મધ્યપ્રદેશ કુનો પાલપુર નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે, જે 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ચિત્તાઓને અહીં રાખવાનું સૌથી મોટું કારણ એ છે કે તેની આસપાસ કોઈ વસાહત નથી. આ જંગલ વિસ્તાર છત્તીસગઢના કોરિયાના સાલ જંગલોની ખૂબ નજીક છે. આ જંગલોમાં, એશિયન મૂળના ચિત્તાઓ છેલ્લીવાર લગભગ 70 વર્ષ પહેલાં જોવા મળ્યા હતા.
વર્ષ 2010 અને 2012 વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દસ સ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ બહાર આવ્યું કે કુનો અભયારણ્ય ચિત્તા રાખવા માટે સૌથી યોગ્ય સ્થળ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (WTI) એ અન્ય પરિબળોની સાથે આબોહવા અને વસ્તીને ધ્યાનમાં રાખીને આ સર્વે હાથ ધર્યો હતો અને કુનોને સૌથી યોગ્ય સ્થળ તરીકે જાહેર કર્યું હતું.
જો કે ચિત્તાની મનુષ્યો સાથે ઘર્ષણની સંભાવના ઓછી હોય છે, તેઓ મનુષ્યોનો શિકાર કરતા નથી. તેઓ મોટા પ્રાણીઓ પર પણ હુમલો કરતા નથી. ઉચ્ચ વસ્તી ગીચતા અને ખુલ્લા ઘાસના મેદાનો ભારતમાં પ્રાણીઓ માટે ખતરો છે. કુનો કદાચ દેશની કેટલીક વન્યપ્રાણી સાઇટ્સમાંની એક છે, જ્યાંથી વર્ષો પહેલા લગભગ 24 ગામો અને તેમના પાળેલા પ્રાણીઓને પાર્કની અંદરથી સંપૂર્ણપણે હાંકી કાઢવામાં આવ્યા હતા.
નામિબિયાથી આવતા ચિત્તાઓમાં 5 માદા અને 3 નર છે. આ ચિતાઓ ખાસ જમ્બો જેટ દ્વારા સવારે 6 વાગ્યે ગ્વાલિયર પહોંયાં હતા. જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટર તેમને કુનો નેશનલ પાર્કમાં લાવશે. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ બિડાણમાં રાખવાની હોય છે. તેમને થોડા સમય માટે આ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, ત્યારબાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. પીએમ મોદી પિંજરાની લીવર ખેંચીને આ ચિત્તાઓને આ એન્ક્લોઝરમાં છોડાવવા જઈ રહ્યા છે. ચિત્તાઓને મુક્ત કર્યા બાદ પીએમ મોદી અહીં એક સંવાદમાં ભાગ લેશે.