ગીરમાં સિંહની સંખ્યાનો અંદાજ મુખ્યપ્રધાને જાહેર કર્યો છે. પાંચ વર્ષમાં 217નો વધારો થઈને આ વખતે 891 જેટલા સિંહ ગીર અને સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.
16મી સિંહ ગણતરી વિધિવત રીતે પૂર્ણ થતા આજે ગીરના સિંહોની સંખ્યા રાજ્યના મુખ્યપ્રધાને જાહેર કરી છે, જે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 217 જેટલા સિંહના વધારા સાથે આ વખતે થયેલી અંદાજિત ગણતરીમાં સિંહની સંખ્યા 891 સુધી પહોંચી છે. મહત્વની બાબત એ છે કે, પ્રથમ વખત પોરબંદર અને દ્વારકાની સાથે રાજકોટમાં સિંહનું અસ્તિત્વ અને તેની સંખ્યા નોંધાઈ છે જે ગીરની સાથે સૌરાષ્ટ્રમાં સિંહના નવા નિવાસ્થાન તરીકે ઉજળી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
સિંહની અંદાજિત સંખ્યા થઈ જાહેર:
16મી સિંહ વસ્તી ગણતરી 10મી મેથી લઈને 13મી મે સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીને સંકલિત કરીને આજે રાજ્યના મુખ્યપ્રધાને ગાંધીનગર ખાતેથી સિંહોની સંખ્યાનો સંભવિત આંકડો જાહેર કર્યો છે. જે વર્ષ 2020માં થયેલી ગણતરી કરતા 217ના વધારા સાથે પાંચ વર્ષ પછી ગીરમાં 891 જેટલા સંભવિત સિંહની સંખ્યા નોંધાઈ છે.છેલ્લા બે ત્રણ દશકમાં સરેરાશ સિહોની સંખ્યા અને તેના વિસ્તારમાં ખૂબ જ નોંધપાત્ર અને હકારાત્મક વધારો થઈ રહ્યો છે જે ગીરમાં સિંહના સંવર્ધનની સાથે ‘પ્રોજેક્ટ લાયન’ માટે પણ એક નવી આશાનું કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
2025 માં જાહેર થયેલા આંકડાઓ:

વર્ષ 2025માં 16મી સિંહ ગણતરી અંતર્ગત સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં ગણતરી કરવામાં આવી હતી. જે મુજબ જાહેર થયેલા આંકડાઓ મુજબ વર્ષ 2025માં સિંહના નર, માદા, પાઠડા (પાઠડાનો મતલબ બચ્ચાથી મોટા અને પુખ્ત સિંહોથી નાના) અને બચ્ચા મળીને કુલ 891 સિંહ નોંધાયા છે, જ્યારે તેને 2020માં કરવામાં આવેલા પુનઃ અવલોકન સાથે સરખાવીએ તો 2020માં કુલ 674 જેટલા સિંહ નોંધાયા હતા. આમ, પાંચ વર્ષમાં 217 નો વધારો થઈને આ વખતે 891 જેટલા સિંહ ગીર અને સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.
પ્રથમ વખત પોરબંદર અને દ્વારકાની સાથે રાજકોટમાં સિંહ:
16મી સિંહ ગણતરીમાં સૌથી આશાસ્પદ અને હકારાત્મક બાબત સામે આવી છે તે અંતર્ગત સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા અને રાજકોટમાં સિંહોની સંખ્યા નોંધાઈ છે. અગાઉના વર્ષોમાં સિંહ ગણતરી આ વિસ્તારમાં કરવામાં આવતી હતી, પરંતુ અહીં સિંહોની સંખ્યા નોંધાઈ ન હતી. પરંતુ આ વખતે ખાસ કરીને બરડા અભયારણ્યમાં સિહોની સંખ્યા સામે આવી છે. જેને લઈને આ વિસ્તારમાં વધુ એક સિંહ સંવર્ધનની શક્યતાઓ ઊભી થઈ છે, જેમાં બરડા ડુંગરનો વિસ્તાર સિંહોને અનુકૂળ પર્યાવરણ ધરાવે છે. જેથી આ વિસ્તારમાં સિંહની સંખ્યા સિંહોના સ્થળાંતરણ અને તેના સંવર્ધનને લઈને પણ ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં સિંહની સંખ્યા અને તેના આંકડા:

16મી સિંહ ગણતરી 11 જિલ્લા અને 58 તાલુકામાં કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં સિંહોની સંખ્યા નોંધાઈ છે. જે મુજબ સૌથી વધારે સિંહો અમરેલી રેન્જમાં 339, બીજા ક્રમે સોમનાથ રેન્જમાં 224, ત્રીજા ક્રમે જૂનાગઢ રેન્જમાં 191, ચોથા ક્રમે ભાવનગર રેન્જમાં 116, પાંચમાં ક્રમે પોરબંદર રેન્જમાં 16, છઠ્ઠા ક્રમે રાજકોટ રેન્જમાં 6 અને સાતમાં ક્રમે દ્વારકા રેન્જમાં 1 સિંહ નોંધાયા છે.
નર, માદા, પાઠડા અને બચ્ચાની સંખ્યા:
16મી સિંહ ગણતરી અંતર્ગત અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટ રેન્જમાં નર, માદા, પાઠડા અને બચ્ચાની સાથે કુલ સિંહ નોંધાયા છે. જેમાં પોરબંદર અને રાજકોટ રેન્જમાં પ્રથમ વખત સિંહ નોંધાયા છે જે પૈકી આ રેન્જમાં એક પણ નર સિંહ જોવા મળતો નથી. આવી જ રીતે પ્રથમ વખત દ્વારકામાં સિંહની સંખ્યા નોંધાઈ છે જેમાં એકમાત્ર નરસિંહ ગણતરીમાં જોવા મળ્યો આ સિવાય માદા પાઠડા બચ્ચા કે બચ્ચાવાળી સિંહણ દ્વારકા રેંન્જમાં જોવા મળી નથી.