30 લાખ વૃક્ષો પડી જતા જંગલની ગીચતા ઘટશે, એશિયાટીક સિંહો ને શિકાર કરવો બનશે આસાન
ક્યારેય કોઈ વિચારી શકે કે ભયંકર વાવાઝોડું કોઈ માટે આશીર્વાદ હોય શકે? જી હા એશિયાટિક લાયન માટે તાઉ તે વાવાઝોડું આશીર્વાદરૂપ બનશે. વન્યજીવો ના જીવનને નજીકથી ઓળખતા અને સમજતા નિષ્ણાંતો માને છે કે, એશિયાટિક સિંહ ગાઢ જંગલ કરતા ખુલ્લા ઘાસના મેદાનો માં રહેવાની અનુકૂળતા ધરાવે છે. હાલમાં જ આવેલ વાવાઝોડાં થી ગીર જંગલમાં આશરે 30 લાખ વૃક્ષો પડી ગયા છે. આ પર્યાવરણ માટે એક મોટું નુકસાન છે છતાં પ્રકૃતિ તેનું કામ કરે છે એ નિયમ મુજબ જોઈએ તો વન્યજીવો માટે વાવાઝોડું કોઈ સમસ્યાનો હલ લઈ આવે છે.
ગત 17 મે 2021 એ આવેલ વિનાશક તાઉ તે વાવાઝોડાં એ ગુજરાત ની દરિયાઈ પટ્ટી પર વિનાશ સર્જ્યો છે પરંતુ એશિયાટિક સિંહો માટે આ વાવાઝોડું આશીર્વાદરૂપ બની શકે છે. વન્યજીવ વર્તુળ વિભાગના વનસંરક્ષક અધિકારી ડૉ દૂષયંત વસાવડા કહે છે કે ગીર જંગલમાં અંદાજે 30 લાખ થી પણ વધુ વૃક્ષો પડી ગયા છે. જેથી ખુલ્લા મેદાનો માં ઘાસ ઊગી નીકળશે જેથી સિંહ માટે શિકાર પાછળ દોડવું અને શિકાર શોધવો આસાન બનશે તેમજ સિંહોની સંખ્યામાં પણ વધારો થશે.
આ પહેલા પણ વર્ષ 1982 માં આવેલ ભયંકર વાવાઝોડાં માં 28 લાખ થી પણ વધુ વૃક્ષ પડી ગયા હતા. જેમાંથી મોટાભાગના વૃક્ષો હટાવાયા નહતા જે ડાળીઓ ફરી ઊગી નીકળતા ગાઢ જંગલ બની ગયું હતું જે એશિયાટિક સિંહો માટે અનુકૂળ ન હતું આથી જ જંગલને ટ્રિમ કરવાનો એક પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ એ મંજુર થાય એ પહેલાં જ કુદરતે રસ્તો કરી દીધો અને તાઉ તે વાવાઝોડું આવી ગયું જેમાં 30 લાખ થી વધુ વૃક્ષો પડી ગયા છે. એક રિસર્ચ મુજબ 1982 પછી ઘાસ થી બનેલા ખુલ્લા મેદાનો સિંહોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. ફરી એ જ સ્થિતિ આવશે. પરંતુ એ માટે જંગલમાં તૂટી પડેલા 30 લાખ વૃક્ષો હટાવવા વન વિભાગ માટે એક ચેલેન્જ બની રહેશે.