છીંડું શોધતા લાધી પોળ એટલે લાંબી દીવાલ હોય, ક્યાંય દરવાજો દેખાતો ન હોય,પેલી બાજુ જવા બાકોરું(છીંડું) શોધતા હોય અને અચાનક તોતિંગ પ્રવેશ દ્વાર મળી આવે એવી ઘટના.
ચાર ચક્રી વાહનમાં પ્રવાસ કરવાનો હોય, મન પડે ત્યાં ઊભા રહી શકાય એવી સુવિધા હોય,નવો પ્રદેશ હોય ત્યારે મારી આંખો સતત ચકળ વકળ થતી હોય છે. હાલમાં જ મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઉમરાલી – છક્તલા થઈને કવાંટ આવવાના રસ્તે આંખોની આ અળવીતરાઈ ને લીધે એક અમારા માટે નવી, પણ પ્રાચીન જગ્યા જોવાનો અવસર મળ્યો.
અલીરાજપુર થી બહાર નીકળતા જ મધ્ય પ્રદેશ પ્રવાસન નિગમે લગાવેલા એક બોર્ડનું લખાણ જોતાં જ આંખો ચમકી.એમાં લખ્યું હતું. માલવાઇ પ્રાચીન શિવ મંદિર 2 કિમી. વાહન ચાલક મિત્ર સુભાષભાઈ એ જણાવ્યું કે આ મંદિર તો રસ્તામાં જ આવે છે અને આમ, અમે પહોંચ્યા માલવાઇના બારીક કોતરણી કામ ધરાવતા,પ્રાચીન અને શિખરબદ્ધ પંચ લિંગેશ્વર દાદાના દ્વારે.
આ શિવધામ ના ગર્ભગૃહના થાળા માં બરોબર વચ્ચે થી અર્ધી કાપીને ગોઠવેલી નારંગીના કદના પાંચ શિવલિંગ ના દર્શન થાય છે જાણે કે એક જ જગ્યાએ પાંચ શિવમંદિરોના દર્શનનું પુણ્ય મળે છે. મધ્ય પ્રદેશ પ્રવાસન નિગમે આ ધરોહર તરફ આંગળી ચીંધીને પુણ્યનું કામ કર્યું છે પણ જો તેની સાથે આ મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતી,એની બાંધકામ શૈલીનું વર્ણન કરતી તકતી મૂકી હોત તો ઓર મજા પડી જાત.
બહુધા આવા સ્મારકોની આસપાસ કોતરણી વાળો કાટમાળ વિખરાયેલો હોય છે,દાહોદ નજીક બાવકાના શિવાલયની આસપાસ બારીક કોતરણી વાળી અનેક શિલાઓ વેરવિખેર પડી છે, અહીં એવું જોવા મળતું નથી. જો કે એના જેવું જ કોતરકામ જોઈ શકાય છે. જીર્ણોદ્ધાર ના ભાગ રૂપે ચોગાનમાં સરસ ઓટલો બનાવવામાં આવ્યો છે જ્યાં મુલાકાતીઓ માટે બેઠકો મૂકવામાં આવી છે.
ગર્ભ ગૃહનું પ્રવેશ દ્વાર સપાટ શિલાઓ ગોઠવીને સુધારવા અને મજબૂત કરવામાં આવ્યું છે જો કે તેના થી કલાતત્ત્વ અને પ્રાચીનતા ની અનુભૂતિને આંચ આવી છે. લાગે છે કે નવીનીકરણ નું આ કામ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું ન હોવા થી આ વિસંગતતા સર્જાઈ છે. જો કે એના થી મજબૂતાઇ ચોક્કસ વધી છે.
એના થી એકાદ કિલોમીટર આગળ મહાદેવી ચામુંડા નું મંદિર છે.એક સ્થાનિક ના જણાવ્યા મુજબ જૂનું મંદિર તોડી નાખવામાં આવ્યું છે અને હાલમાં વિશાળ નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.એના જણાવ્યા પ્રમાણે નજીકમાં એક ડુંગર પર દૂધી માતા નું મંદિર છે. અલીરાજપુર થી કુક્ષીના રસ્તે વચ્ચે એક પ્રાચીન જૈન મંદિર પણ આવેલું છે.બાધ માં પ્રાચીન બોદ્ધ ગુફાઓ છે અને અન્ય એક પ્રાચીન શિવ મંદિર પણ છે જેનું નામ હું ભૂલી ગયો છું.
આ વિસ્તાર માં ભારતીની સ્વતંત્રતા માટે સામી છાતીએ ગોળીઓ ઝીલી શહીદી વહોરનારા ચંદ્રશેખર આઝાદ ની જન્મભુમિ છે.તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના બદરકા નો જે અહીં ભાબરા માં વસી ગયો હતો.અલીરાજપુરમાં તેમના નામનો ચોક બનાવીને અર્ધ પ્રતિમા મૂકવામાં આવી છે અને એક સિંચાઇ માટેના જળાશય ને તેમનું નામ આપવામાં આવ્યું છે. ક્યારેક વીર તાત્યા ટોપે 1857 ની ક્રાંતિ વખતે સ્થાનિક આદિવાસી સરદારોની સહાયતા થી આ વિસ્તારમાં રહ્યાં હતા એવી મારી જાણકારી છે.
બડવાની બાયપાસ નજીક બાવનગજા નામક એક સ્થળ છે જ્યાં ડુંગર ઉપર હનુમાન દાદાની વિશાળ પ્રતિમા રસ્તા પર થી નજરે પડે છે. માં નર્મદાના અમૃત જળને લીધે ખેતરોમાં હરિયાળી જોવા મળે છે.આસપાસના જંગલોમાં સિતાફળની ઝાડીઓ છે એટલે મોસમમાં સીતાફળ ખરીદી શકાય છે.નર્મદા પુલ પાસે સરસ મજાના જામફળ અને પપૈયા મળે છે. આમ,એકંદરે પ્રવાસ રળિયામણો બની રહે છે.
મારો અનુભવ કહે છે કે જો આંખો ખુલ્લી અને મન મોકળું રાખો તો તમારા લક્ષિત સ્થળ સુધી પહોંચ્તા પહેલા ઘણું નવું જોઈ અને જાણી શકાય છે.જો કે પસંદ અપની અપની જેવી વાત છે. તો બોલો પંચ લિંગેશ્વર દાદાની જય, માં ચામુંડા ની જય,સનાતન ધર્મ અને હિંદવી સંસ્કૃતિની, શિલ્પકારો,કડિયાઓ અને આવી કૃતિઓ ના નિર્માતાઓ ની જય.સંસ્કૃતિ અને પ્રકૃતિનો વારસો જળવાય તો દેશની દર્શનીયતા અવશ્ય જળવાય રહેશે.
Writer: Suresh Mishra, Nature lover, and Traveller