‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડર્ (ઘોરાડ)’ પર વર્ષોથી કામ કરતી સંસ્થા ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (ડબલ્યુઆઈઆઈ)’ના મતે હવે ગુજરાતમાં નર ઘોરાડની સંખ્યા ઘટીને માત્ર એક રહી છે. કચ્છના નલિયા આસપાસ ઘાસિયા મેદાનોમાં જોવા મળતા આ પક્ષીઓની કુલ સંખ્યા ગુજરાતમાં ૨૦થી વધુ નથી.દેશમાં તેની વસતી ૨૦૦ આસપાસ હોવાના આંકડા આવતા રહે છે, પરંતુ નિષ્ણાતોના મતે પૃથ્વી પરના સૌથી કદાવર પૈકીના એક એવા ઘોરડની વસતી હવે સવાસોથી વધારે હોય એવુ લાગતું નથી.
‘ઈન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન નેચર(આઈયુસીએન)’ના એપ્રિલ મહિનામાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આ પક્ષીની વસતી ૨૦ જ છે. એક સમયે સેંકડોની સંખ્યામાં જોવા મળતા ઘોરાડ હવે સરકારી બેદરકારીને કારણે નષ્ટ થવાની કગાર પર પહોંચ્યા છે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટના સંશોધનના આધારે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકે આજે આ અહેવાલ રજૂ કર્યો હતો. અગાઉ પણ નરની વસતી એક જ રહી હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. પરંતુ આજે એ આશંકાને સાચી જાહેર કરવામાં આવી હતી. ૨૦ કિલોગ્રામ સુધી વજન ધરાવતા ઘોરાડ ઉડી શકતા નથી, પરંતુ એ પૃથ્વી પરના સૌથી વજનદાર પક્ષી હોવાનો વિક્રમ ધરાવે છે.
ઊંચાઈમાં ૧ મિટરથી પણ વધારે કદના થતા આ પક્ષીનો શિકાર કરવો સહેલો છે. કેમ કે એ ઘાસના મેદાનમાં રહે છે, જ્યાં તેનું કદાવર શરીર છૂપાઈ શકતું નથી.આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચ્યા પછી થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે અબડાસા તાલુકામાં નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય માટે જમીન ફાળવી હતી. એ જમીન પર અત્યારે ગાંડા બાવળ ઉગી ચૂક્યા છે, જ્યારે નાનુ-મોટુ દબાણ પણ થઈ રહ્યું છે. જ્યાં કોઈને પ્રવેશવાની છૂટ ન હોવી જોઈએ એવા અભયારણ્યમાંથી કેટલાક ગામના રસ્તા નીકળે છે. માટે અહીં વાહન સહિતની અવર-જવર સતત ચાલુ રહે છે. એ સંજોગોમાં શરમાળ ઘોરાડની વસતી વધવાની ક્યારની બંધ થઈ ગઈ છે.બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)ના વિજ્ઞાાની અસદ રહમાનીએ કહ્યુ હતુ કે ૧૫ વર્ષ પહેલા ત્યાં ૧૧ નર હોવાનું અમે નોંધ્યુ હતુ. પરંતુ પછીથી કચ્છમાં સતત ઔદ્યોગિક વિકાસ થયો જેણે આ પક્ષીનો ભોગ લીધો છે.
ગુજરાત બહાર મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં થોડી વસતી બચી છે. ઘોરાડ એકાંતપ્રિય અને શરમાળ હોવાથી આસાનીથી પ્રજનન કરતા નથી.બીજી તરફ સતત કપાતા જતા જંગલો, નાના પાયે ચાલતી શિકાર પ્રવૃત્તિ, ઓદ્યોગિકરણ વગેરેને કારણે ઘોરાડના મૃત્યુ થઈ રહ્યા છે. જેમ કે કચ્છમાં જ ઊંચા થાંભલાના વાયરો સાથે અથડાઈને ઘોરાડ મૃત્યુ પામ્યાના અનેક દાખલા નોંધાયા છે. છતાં સરકારે એ દિશામાં કશી કામગીરી કરી નથી. કેમ કે થાંભલા નાખનારી કંપની ખાનગી છે.નર ઘોરાડની વસતી એક જ રહી તેનો મતલબ એવો થયો કે હવે વસતી વધવાની કોઈ સંભાવના નથી. કેમ કે એકથી વધુ હતા ત્યારે પણ ઘોરાડ પ્રજનન કરતા ન હતા. હવે એક છે, એ જીવશે ત્યાં સુધીમાં પ્રજનન કરે તો ભલે, બાકી વસતી ઘટતી જશે. આ પક્ષી ગુજરાત માટે ગૌરવનો વિષય છે, પરંતુ સરકારને તેની જાણકારી જ હોય એમ લાગતું નથી. ૪૦ વર્ષ પહેલા ઘોરાડની વસતી દેશમાં સાડા સાતસોથી વધુ હતી. એ ઘટીને આજે સો-સવાસોએ આવી પહોંચી છે. પક્ષી સંરક્ષણની નિષ્ફળતાનો આ ક્લાસિક કિસ્સો છે.