ટુંડવાનું 30 મીટર ઊંચું સાગ નું ઝાડ અંદાજે 250 વર્ષની ઉંમરનું છે જેને પણ દેવ ગણીને લોકો સાચવે છે.
આમ તો વૃક્ષો,વનસ્પતિ અને જીવ સૃષ્ટિ માતા પ્રકૃતિના સંતાનો છે અને પ્રકૃતિ જેટલા જ પવિત્ર અને પૂજનીય છે.
અને એટલે જ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બે મહા વૃક્ષો દેવતાઈ મનાતા હોવાથી લોકો દ્વારા પેઢી દર પેઢી સચવાયા છે. આ પૈકી એક પ્રકાશન માં ટુંડવા ગામના તપસ્વી જોગી જેવા વિશાળ સાગ વૃક્ષની ઉંમર લગભગ 250 વર્ષની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ સાગ વૃક્ષ લગભગ 30 મીટર ની ઊંચાઈ અને 5.26 મીટર જેટલો થડનો ઘેરાવો ધરાવે છે.આ વૃક્ષ પર નજર પડતાં જ વર્ષોની તપ સાધનાથી કૃશકાય થઈ જવા છતાં તેજસ્વી અને જોટાળા જોગીના દર્શન થયા હોય એવો અહેસાસ થાય છે.આ વિસ્તારના વન અધિકારી પ્રિતેશ પ્રજાપતિ અને બાજુની રેંજના અધિકારી નિરંજન રાઠવાએ જણાવ્યું કે,આ વૃક્ષમાં દેવનો વાસ હોવાની શ્રધ્ધાને લીધે લોકો તેને સાચવે છે.ગામ લોકોને પણ આ વૃક્ષ કેટલું જૂનું છે એનો અંદાજ નથી.કોઈ એને ચાર પેઢી અને કોઈ પાંચ પેઢી જૂનું હોવાનું જણાવે છે.આ વૃક્ષને લીધે ખેતી સચવાય છે અને ખુશહાલી આવે છે એવી આસ્થાને કારણે આસપાસ ના ખેતરોના ખેડૂતો આ વૃક્ષને સાચવે છે. ટૂંડવાનું આ વારસા વૃક્ષ જાણે કે પ્રકૃતિ દેવી ની સાક્ષાત પ્રતિમા છે.
અહીંની ડોલરિયા રેન્જમાં જામલી ગામ આવેલું છે.ત્યાં 25 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું હલદું કલમ નું વૃક્ષ દેવતાઈ મનાય છે.કલમ વનસ્પતિની આ પ્રજાતિમાં અંદરના ભાગનું લાકડું પીળાશ ધરાવતું હોવાથી તે હલદું કલમ તરીકે ઓળખાય છે.આ વિસ્તારના વન અધિકારી ડી.એસ.રાઠવા એ જણાવ્યું કે,સરકારી પડતર મહેસૂલી જમીનમાં આવેલા આ મહાકાય વૃક્ષની નીચે દેવતાના પાળિયા, અને પ્રતીકો સ્થાપિત છે જેની ગામ લોકો વાર તહેવારે પૂજા કરે છે.
આ જગ્યાએ લગભગ દર 20 વર્ષે દેવનો ઉત્સવ ઉજવાય ત્યારે મેળો ભરાય છે.આ વૃક્ષ પર સંખ્યાબંધ મધપૂડા જોવા મળે છે જે એના દેખાવને ભવ્યતા આપે છે.
વડોદરામાં સયાજીબાગમાં બાબા સાહેબના સ્મારકથી થોડે આગળ અને રાજ મહેલની પાછળ, નવલખી મેદાન છેડે, વિશ્વામિત્રીના કાંઠે રાવણતાડ નામક વૃક્ષો આવેલા છે.તેની ટોચ પર ડાળીઓ એ રીતે ઉગે છે કે તેને જોતાં દશ મથાળા રાવણની યાદ આવી જાય.એક સમયે આ વૃક્ષ વડોદરામાં સારી એવી સંખ્યામાં હતાં.હવે ખૂબ ઘટી ગયા છે. આમેય,આ વૃક્ષનો સમાવેશ જોખમ હેઠળના વૃક્ષો ની યાદીમાં થાય છે એટલે વડોદરા એ ગાયકવાડી સમયના આ બચ્યા ખૂચ્યા વૃક્ષોની કાળજી લેવી જોઈએ.
દેવતાઈ વૃક્ષોને જ સાચવવા જોઈએ એવા અભિગમને બદલે બધાં વૃક્ષોમાં દેવનો વાસ છે એટલે બધાં વૃક્ષો સાચવવા જોઈએ એવો અભિગમ સમાજમાં કેળવાય તે જરૂરી છે.આદિવાસી સમાજ જય જોહાર એટલે કે માતા પ્રકૃતિની જય એ રીતે એકબીજાનું અભિવાદન કરે છે.ખરેખર સર્વ સમાજમાં જય જોહાર સૂત્ર વ્યાપક બને એ વૃક્ષ સંપદાની સાચવણી માટે જરૂરી જણાય છે.