વડોદરા નજીક દીપડો જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી છે. સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી છે.
શેરખી ભીમપુરા કોતર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો
વડોદરા શહેર નજીક આવેલ શેરખી ભીમપુરા કોતર વિસ્તારમાં જોવા મળ્યો છે. દીપડાએ નીલ ગાયનું મારણ કર્યું હતું. આ દીપડો સીસી ટીવી કેમેરામાં પણ જોવા મળ્યો છે. દીપડાના ભયથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી છે.
પાદરા તાલુકાના સાધી ગોરીયાદ રોડ પર રાત્રીના સમયે દીપડો જોવા મળ્યો હતો
ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગોરીયાદ રોડ પર રાત્રીના સમયે દીપડાએ દેખા દેતા કાર ચાલક દ્વારા તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાદરા તાલુકાના અનેક ગામોમાં ઘણા સમયથી દીપડો દેખાદેતા ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા પાદરા તાલુકાના વિવિધ પાંચ જેટલાં ગ્રામ્યવિસ્તારોમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.
અલગ–અલગ જિલ્લાઓમાં દીપડો જોવા મળ્યો છે
ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે આ વર્ષની શરૂઆતમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું હતું. પાટનગરમાં દીપડો દેખાયો હોવાના કારણે દહેશત ફેલાઈ હતી. કહેવાય છે કે, દીપડો એક એવું પ્રાણી છે કે જે માણસ પર પણ હુમલો કરવામાં પાછળ નથી રહેતું. તમે ઘણીવાર દીપડાના શહેરમાં ઘૂસી આવવાના વીડિયો સોશિયલ મીડિયામાં જોયા જ હશે.
આ વર્ષની શરૂઆતમાં પણ ગાંધીનગર સ્થિત સચિવાલયમાં દીપડો ઘુસી આવ્યો હતો. જેને કારણે શહેરીજનો પણ ખૌફનો માહોલ જોવા મળ્યો હતો. તે સમયે પણ ભારે જહેમત પછી દીપડાને રેસ્ક્યુ કરાયા બાદ સ્થિતિ સામાન્ય થઈ હતી.