સક્કરબાગ ઝૂના દીપક નામના વરૂ થકી જયપુરવાળી માદાને પ્રથમ વખત 6 બચ્ચાનો જન્મ થયો, ઝૂમાં વરૂની સંખ્યા 50 થઇ
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વરૂનું બ્રિડીંગ સેન્ટર આવેલું છે. આ સફળ બ્રિડીંગ સેન્ટર થકી દર વર્ષે વરૂના બચ્ચાનો જન્મ થાય છે. થોડા દિવસ પૂર્વે સક્કરબાગ ઝૂમાં જયપુરવાળી નામની વરૂ માદાએ એક સાથે 6 બચ્ચાને જન્મ આપ્યો છે. આથી માદા જયપુરવાળીના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અને સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે.
ઝૂ ઓર્થોરીટી અંતર્ગત પ્રાણી એકચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝૂ દ્વારા જયપુરના ઝૂને સિંહ આપી તેના બદલામાં જયપુરવાળી નામની વરૂ માદાને લાવવામાં આવી હતી. જયપુરવાળીની સક્કરબાગ ઝૂ દ્વારા સારસંભાળ રાખી હતી. જેમાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા દીપક નામના વરૂ નરના મેટીંગથી જયપુરવાળીએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે.
સક્કરબાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર, સક્કરબાગ ઝૂમાં વરૂનું સફળ બ્રિડીંગ સેન્ટર છે. જયપુરની જયપુરવાડી અને દીપક થકી ઝૂમાં નવા ૬ બચ્ચાનો જન્મ થયો છે. જયપુરવાડી વરૂ માદા દિપક નર વરૂ થકી પ્રથમ વખત માદા બની છે.
સામાન્ય રીતે વરૂ માદાના ગર્ભનો સમય 60-62 દિવસ હોય છે. સક્કરબાગ ઝૂમાં 6 નવા બચ્ચાનો જન્મ થતા વરૂની સંખ્યા હવે 50 થઇ ગઇ છે. 6 બચ્ચાને જન્મ આપનાર જયપુરવાડી માદાના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે તેમજ સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વરૂના સફળ બ્રિડીંગ સેન્ટર થકી વરૂની સંખ્યામાં વધારો થતા હવે પ્રાણી એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વરૂના બદલામાં અન્ય પ્રાણી ઝૂમાં લાવવામાં આવશે. જેથી કરીને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ અને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.