ગીર સોમનાથ જિલ્લામાં ઉના-કોડીનાર હાઇવે પર શીલોજ ગામ નજીક ગતમોડીરાત્રીના રોડ ક્રોસ કરી રહેલ એક દીપડીને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતની જાણ વન વિભાગને કરાતા સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી દીપડીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઘણા દિવસોથી દીપડા-દીપડીઓની રંજાડની વારંવાર બનતી ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. દરમિયાન ગતમોડીરાત્રીના જિલ્લાના ઉના-કોડીનાર હાઇવે પર શીલોગ ગામ નજીક હાઇવે પર દીપડીનો મૃતદેહ પડેલ હોવાનું અમુક રાહદારીના ઘ્યાને આવ્યું હતુ. જે અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા અઘિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. વન વિભાગની પ્રાથમિક તપાસમાં દીપડી હાઇવે ક્રોસ કરી રહેલ હોય તે સમયે પુરપાટ આવતા અજાણ્યા વાહનએ અડેફેટે લીધી હોવાથી મોત નીપજ્યું હોવાનું જણાય રહ્યું છે. હાલ દીપડીની ઉંમર ચાર વર્ષ છે અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.