બે દિવસ બાદ વનરાજનું વેકેશન શરૂ થશે. 15 જૂનથી સાસણમાં સિંહ દર્શન બંધ થવા જઇ રહ્યા છે. તેમજ સફારી માટેના રૂટ બંધ કરી દેવાશે. મળતી માહિતી અનુસાર 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી વનરાજનું વેકેશન રહેશે. જો કે પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ચાલુ રહેશે.

ઉલ્લેખનિય છે કે ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન બે દિવસ બાદ પડી જશે. ચાર માસના વેકેશન દરમ્યાન સિંહ દર્શન કરાવતી જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે. પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે.

વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. જો કે ભારેવરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.