હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા સ્થિત પોંગ ડેમ વિસ્તારમાં 1400થી વધુ પ્રવાસી પક્ષીઓના રહસ્યમય મોતથી અફડાતફડીનો માહોલ સર્જાયા છે.
કાંગડા વહીવટી તંત્રે ડેમના જલાશયમાં દરેક પ્રકારની ગતિવિધિઓ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. સાથે સાથે વાઈલ્ડ લાઈફ ઓથોરીટીએ મરેલા પક્ષીઓના સેમ્પલ ભોપાલ સ્થિત હાઈ સિકયોરીટી એનીમલ ડીસીઝ લેબોરેટરીમાં મોકલ્યા છે, જેથી પક્ષીઓના મોતનું કારણ જાણી શકાય. કાંગડાના ડેપ્યુટી કમિશ્નર સહ જિલ્લાધિકારી રાકેશ કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ સમયે કોઈપણ પ્રકારની બીમારીની આશંકાનો ઈન્કાર ન કરી શકાય. આ પરિસ્થિતિમાં તે વધુ ન ફેલાય તે માટે પ્રોટોકોલ અનુસાર ડેમના 10 કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષાત્મક ઉપાય અપનાવવા જરૂરી બન્યા છે.