પૃથ્વી પરના સ્થળચર પ્રાણીઓમાં સૌથી વધુ ઝડપે દોડનાર પ્રાણી ચિત્તો છે. તે કલાકના 113 કિલોમીટરની ઝડપથી દોડે છે. ચિત્તામાં ઝડપથી દોડવાની શક્તિ ક્યાંથી આવતી હશે તે જાણો છો? તો આવો આપને જણાવીએ ચિત્તા વિશેની રહસ્ય વાતો જે આપે ભાગ્યે જ જાણી હશે.
WSON Teamચિત્તા કોઈપણ વાહન કે પ્રાણીને ઝડપથી દોડવા માટે તેનો આકાર મહત્ત્વનો છે. જેમ ઘર્ષણ ઓછું તેમ ગતિ વધે. ચિત્તાનું પાતળું શરીર આ લાભ આપે છે. ચિત્તાના આગલા પગના પંજા જોરદાર હોય છે. ચિત્તો કૂદકો મારી જમીન પર પક્કડ જમાવી શકે છે એટલે લપસી પડતાં નથી. ચિત્તાના પાછલા પગ પણ લાંબા હોય છે અને ચિત્તાની કરોડરજ્જુ સ્થિતિસ્થાપક હોય છે. ચિત્તા ઝડપથી દોડતી વખતે તે બેવડ વળીને પાછલા પગ મોંથી પણ આગળ લઈ જઈ શકે છે.
એટલે ચિત્તાની છલાંગ લાંબી બને છે અને એક છલાંગે અંતર વધુ કાપે છે. ચિત્તાના નસકોરાં મોટા હોય છે એટલે તે શ્વાસમાં વધુ હવા લઈ શકે છે. તેના ફેફસાં અને હૃદય પણ મોટાં હોય છે જે વધુ ઓક્સિજન લઈને શરીરને ઝડપથી લોહી પણ પૂરું પાડે છે.
આમ ચિત્તાની રચના જ દોડવા માટે જ સર્જાઈ છે. દોડતી વખતે તેની લાંબી પૂંછડી બેલેન્સ જાળવવામાં અને દિશા બદલવામાં ઉપયોગી થાય છે. ચિત્તો મોટેભાગે હરણ અને સાબર જેવા ઝડપથી દોડનારા પ્રાણીઓનો શિકાર કરે છે. એટલે તેને ખોરાક મેળવવા ઝડપથી દોડવું જ પડે અને કુદરતે તેનું શરીર પણ તેવું જ ઘડયું.