માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી હતી. આ સી સ્લગ નામના દરિયાઈ જીવની લંબાઈ માત્ર 2 સેન્ટિમીટર નોંધાઈ છે.
ફક્ત દક્ષિણ ભાગના મરીન નેશનલ પાર્કના પોશીત્રા વિસ્તારમાં જોવા મળતી આ ગોકળગાય કચ્છનાં અખાતનાં ઉત્તરીયતટ પર પ્રથમ વખત નોંધવામાં આવી છે. જે ક્યાક કચ્છની દરિયાઈ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ સંકેત દર્શાવે છે. આ અતિદુર્લભ ગોકળગાયની નોંધ મુંબઈ સ્થિતની વૈજ્ઞાનિક જર્નલમાં નિકી રામી શાહ, યશેશ શાહ અને ડો. દિપક આપ્ટે દ્વારા ગત ડિસેમ્બરમાં કરવામાં આવી હતી.
કચ્છમાં ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરી નામક મરીન રીસર્ચ લેબોરેટરી ધરાવતા બંદરીય શહેરના દંપતી યશેશ શાહ અને નિકી રામી શાહને ગત ડિસેમ્બરમાં માંડવી વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાઈ પાણીના ખાબોચિયામાં અત્યંત દુર્લભ દરિયાઈ આ ગોકળ ગાય જોવા મળી હતી. આમ, આ દંપતિ દ્વારા આ અતિ દુર્લભ ગોકળગાયની પ્રજાતિને બચાવવા તેમજ અન્ય નાગરિકોને જો કોઈ પણ પ્રકારનું દરિયાઈ જીવ મળે તો તેને હાની ના પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી.
કચ્છની દરિયાઇ જીવસૃષ્ટિની ખુબ જ ઓછી માહિતી અને ખૂબ જ ઓછો અભ્યાસ જોવા મળે છે, ત્યારે અમે લોકો વારંવાર અભ્યાસ માટે દરિયાકાંઠે જતાં હોઈએ છીએ ત્યારે અમને ગત ડિસેમ્બરમાં આવી જ એક રૂટિન ફિલ્ડમાં અમને એક અતિ દુર્લભ અને અતિ સુંદર દરિયાઈ ગોકળગાયની પ્રજાતિ જોવા મળી છે. આ ગોકળગાય સામન્ય ગોકળગાય જેવી જ હોય છે પરંતુ તેની પર શંખ નથી હોતું. આ ગોકળગાયની વિશેષતા એ છે કે, આ ગોકળગાય સમગ્ર વિશ્વમાં ફક્ત અને કફત ગુજરાતમાં જોવા મળે છે અને તેમાં પણ ફક્ત કચ્છના અખાતમાં જોવા મળે છે. નોંધનીય વાત એ છે કે, આજના ઝડપી યુગમાં આ દુર્લભ પ્રજાતીનું અસ્તિત્વ જોખમમાં કહેવાય ત્યારે લોકોને ખાસ અપીલ છે કે જો તેમને કોઈ પણ જાતનું દરિયાઈ જીવ મળે તો તેની હાની પહોંચાડવી નહીં.