HomeWild Life Newsસાસણ ગીર: અભ્યારણમાં સિંહો બાદ હવે દિપડાને પણ રેડીયો કોલર પહેરાવાશે

સાસણ ગીર: અભ્યારણમાં સિંહો બાદ હવે દિપડાને પણ રેડીયો કોલર પહેરાવાશે

વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી : સરકારની મંજૂરી મળ્યા બાદ કવાયત શરૂ કરાશે

એશીયાઇની સિંહોની વસ્તી ધરાવતી એકમાત્ર ગીર અભ્યારણમાં વિહરતા દિપડામાં પણ રેડીયો કોલર લગાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબકકે પાંચ દિપડામાં રેડીયો કોલર લગાવવામાં આવશે. દિપડાની મુવમેન્ટ પર નજર રાખવા તથા વન્ય પ્રાણી અને માનવીઓ વચ્ચેનું ઘર્ષણ રોકવાના ઉદ્દેશ સાથે આ યોજના તૈયાર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ દર વર્ષે દિપડાઓને કારણે સરેરાશ 15 લોકોના મોત થતા હોય છે અને 45થી વધુ લોકોને દિપડા ઘાયલ કરતા હોય છે. આ સંજોગોમાં દિપડાની મુવમેન્ટ પર વોચ રાખવા અને તેઓ માનવ વસાહતમાં ઘુસીને માનવીઓ પર કોઇ હુમલો ન કરે તેની વોચ રાખવા માટે રેડીયો કોલર લગાવવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજના સાકાર બનવાના સંજોગોમાં ગુજરાતમાં પ્રથમ વખત દિપડા પર રેડીયો કોલર લાગશે.

ગીર અભ્યારણમાં છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 674 સાવજ છે અને તેટલી જ સંખ્યામાં દિપડા હોવાનો અંદાજ છે. દિપડાની છેલ્લી વસ્તી ગણતરી ર016માં થઇ હતી અને ત્યારે આખા રાજયમાં 139પ દિપડા હોવાનું માલુમ પડયુ હતું. તેમાંથી 4પ0 જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં હોવાનું જણાયું હતું. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજય છે જયાં સિંહ અને દિપડાનો સંયુકત વસવાટ છે. ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્ય જીવોનો શિકાર અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવ્યા જ છે. અને સતત પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે.

અલીગઢ મુસ્લિમ યુનિ. દ્વારા તાજેતરમાં સિંહ અને દિપડાના સંયુકત વસવાટ પર એક રસપ્રદ સંશોધન કરવામાં આવ્યું હતું અને તેમાં એવું તારણ નીકળ્યું હતું કે બંને વન્ય જીવો જંગલમાં અલગ અલગ સમય વિહરવા નીકળે છે. સાવજો મોટા ભાગે જંગલના ખુલ્લા ઉપરાંત ગાઢ વિસ્તારમાં વિરહતા હોય છે. જ્યારે દિપડા મુખ્યત્વે ગાઢ વિસ્તારમાં અને નદી-પાણી સ્ત્રોત ધરાવતા વિસ્તારની આસપાસ જ વસવાટ કરતા હોય છે આ કારણે સાવજ અને દિપડા વચ્ચે કોઇ ઘર્ષણ થતું નથી. દિપડા ઝાડ ઉપર પણ ચડી જતા હોવાના કારણે સાવજો સાથે કોઇ સીધુ ઘર્ષણ થતું નથી.

- Advertisment -