વિશાળે જગ વિસ્તારે નથી એકજ માનવી,પશુ છે,પક્ષી છે,વનોની છે વનસ્પતિ જગતની સંપદા પર પશુ,પક્ષી,વનસ્પતિ સહુનો અધિકાર છે,માત્ર માનવી નો એકાધિકાર નથી. કદાચ આ કટું સત્યની યાદ સમગ્ર માનવ સમુદાય ને અપાવવા દર વર્ષે 2 જી ઓકટોબર થી વન્ય જીવ( કલ્યાણ અને સંરક્ષણ) સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
2જી ઓકટોબર એ પૂજ્ય બાપુની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ની જન્મ તારીખ છે.તેઓ અહિંસાના પૂજારી હતાં. તેમણે કહ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રની મહાનતા અને પ્રગતિનું માપ, એ દેશમાં પ્રાણીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એના પરથી નીકળી શકે છે.એટલે બાપુની અહિંસાની વિચારધારા માં જીવ સંરક્ષણ ની છુપી તાકાત ને અનુલક્ષી ને કદાચ આ સપ્તાહની ઉજવણી ની શરૂઆત તેમના જન્મ દિવસ થી કરવાની પરંપરા પડી હશે.
વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની આવશ્યકતા પર પ્રકાશ પાડતાં મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી એ જણાવ્યું કે ઘણાં બધાં વન્ય જીવો લુપ્ત થવાના ભારે જોખમ હેઠળ છે.ઘણી બધી પ્રજાતિઓ વંશ નાશ એટલે કે લુપ્ત થવાને આરે પહોંચી છે.લોક ચેતના ને, તેમને બચાવી લેવાની મુહિમ સાથે જોડી,લોક શક્તિને વન્ય જીવ સંરક્ષણ ની શક્તિ બનાવી,તેમના રક્ષણ અને સંવર્ધન નું વાતાવરણ સર્જવા આ સપ્તાહ ઉજવવામાં આવે છે.
વંશ નાશના જોખમ હેઠળ જીવતી હોય એવી પ્રજાતિઓ ની સંખ્યામાં વધારો થવાના વિવિધ કારણો છે.જેમાં ગ્લોબલ વોર્મિંગ, વનોનો વિનાશ,જીવ હિંસા જેવા કારણો પ્રમુખ છે.એટલે લોકોમાં વન્ય જીવો માટે જીવો અને જીવવા દો ની ભાવના પ્રબળ કરવા આ સપ્તાહ ઉજવવામાં આવે છે.
ખાસ કરીને વન્ય જીવો પ્રત્યે માયાળુ અને લાગણીશીલ ભાવિ પેઢીના સર્જન થી ઘણાં સારા પરિણામો મળી શકે છે.એટલે બાળ સમુદાયને વન્ય જીવ સંપદાની ઓળખ આપતાં અને અનિવાર્યતા સમજાવતા કાર્યક્રમો વન વિભાગ ,વન્ય પ્રાણી કલ્યાણ માટે કાર્યરત સ્વેચ્છિક સંસ્થાઓ સાથે મળીને યોજે છે.
અત્રે એ યાદ કરવું ઘટે કે આ કોવિડ સંકટનું વર્ષ છે.ત્યારે રાજ્યના વન વિભાગે આ સંકટની શરૂઆતના સમયગાળામાં જ વન્ય જીવોને તેના થી સુરક્ષિત રાખવા જંગલો અને અભયારણ્યો માં પ્રવેશબંધી જાહેર કરી હતી અને વન કર્મચારીઓની ટાસ્ક ફોર્સ બનાવી હતી.હજુ આ સાવચેતી અમલમાં છે. ગુજરાત સરકાર ખાસ કરીને ઉત્તરાયણ ના પર્વે અબોલ પક્ષીઓની ધારદાર દોરાની ઘાતક ઇજાઓમાં થી બચાવવા ખાસ કરુણા અભિયાન ચલાવે છે.અને કરુણા એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે.
વન્ય પ્રાણી સપ્તાહની આ વર્ષની ઉજવણી નું વિષય સૂત્ર રોઅર એન્ડ રિવાઈવ નક્કી કરવામાં આવ્યું છે.જેનો અર્થ જંગલમાં એમની ગર્જનાઓ અને દહાડો ને ફરી થી ગુંજવા દો,વન્ય પ્રાણીઓથી જંગલને નવ ચેતન કરો એવો કરી શકાય.
માનવ અને વન્ય જીવો માં ધરતીના સહોદર સંતાનો છે.એમની વચ્ચે સગા ભાઈઓના સગપણ ને ફરી થી લીલું અને તાજું કરવાનો સમય પાકી ગયો છે.
ગુજરાત રાજ્યે અને વન વિભાગે પ્રમાણમાં ઘણાં સારા પ્રયત્નો કર્યા છે.પરિણામે ગીરમાં અને ગીરની બહાર સિંહોની વસતી વધી છે.પૂર્વ પટ્ટીના જંગલોમાં દીપડા અને રીંછ જેવા પ્રાણીઓની વસ્તી વધી છે.માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ ટાળવા ના આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.આ સપ્તાહની ઉજવણી આ પ્રયાસોને નવો વેગ આપશે.