દેશમાં પ્રથમ વખત નેશનલ હાઈવે-44ના 16 કિમીના ક્ષેત્રમાં બનાવાયેલા 9 એનિમલ અંડરપાસમાંથી 10 મહિનામાં 89 વખત વાઘ પસાર થયાની ઘટના બની હતી. 18 પ્રકારનાં 5,450 જંગલી પ્રાણીઓ આ અંડરપાસમાંથી પસાર થયાં હતા. પેચ ટાઈગર રિઝર્વમાં બનાવાયેલ દુનિયાના સૌથી લાંબા એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચરમાંથી વન્યજીવો તથા વાહનોના ટકરાવાની હજારો ઘટનાઓ પણ ટળી ગઈ હતી.
વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા એનિમલ અંડરપાસનો જંગલી પ્રાણીઓ દ્વારા કરાતા ઉપયોગ અંગે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. રિપોર્ટ તૈયાર કરનારા ડૉ. બિલાલ હબીબે કહ્યું કે શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો એનએચ-44ને જ્યારે બે લેનથી ચાર લેનમાં અપગ્રેડ કરવાની વાત થઈ તો આ પ્રોજેક્ટને એ જ શરત પર મંજૂરી મળી કે ગાઢ જંગલ વિસ્તારોમાં પ્રાણીઓના પસાર થવા માટે એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચર ઊભાં કરવામાં આવે.
મહારાષ્ટ્રમાં એનએચ-44 પર 225 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરી પ્રાણીઓના પસાર થવા માટે ચાર નાના પુલ તથા પાંચ એનિમલ અંડરપાસ બનાવાયા હતા. ફક્ત પ્રાણીઓ માટે સમર્પિત આ પ્રકારનું આ દુનિયાનું સૌથી લાંબુ માળખું છે. આ માળખામાં પ્રાણીઓની અવર-જવર પર નજર રાખવા માટે 78 કેમેરા પણ ગોઠવાયા છે જેથી એ જાણી શકાય કે ખરેખર જંગલી પ્રાણીઓએ તેનો ઉપયોગ કેટલો કર્યો, ભવિષ્યમાં ક્રોસિંગ સ્ટ્રક્ચર કેવી રીતે ડિઝાઈન કરવામાં આવે કાં વર્તમાન માળખામાં કયા સુધારા જરૂરી છે જેનાથી તેનો ઉપયોગ વધે. માર્ચથી ડિસેમ્બર 2019 દરમિયાન તમામ 9 માળખામાં લાગેલા કેમેરાથી 1,26,532 તસવીરો લેવાઈ હતી. તમામ માળખાનો ઉપયોગ સૌથી વધુ હરણે 3,165 વખત અને જંગલી ભૂંડે 677 વખત કર્યો હતો.