પાણી મળી રહેતા જંગલ બહાર હિંસક પ્રાણીઓ નથી આવતા, આસાનીથી પાણી મળી રહે તે માટે પાણીના કુંડ બનાવી વનવિભાગે કરી વ્યવસ્થા
ઉનાળામાં પાણીની ઘટ સર્જાય એટલે માણસ તો ગમે ત્યાં જઈને પાણીની કરી લે છે. પરંતુ જંગલમાં વસતા પ્રાણીઓનું શું. તેઓ પાણી ક્યાં શોધવા જાય.વાયા-વોકળા પણ સુકાઈ ગયા હોય છે તો પછી પાણી તેમને કેવી રીતે મળે? આવો સવાલ થતો હશે. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, આપણા વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે. જેના થકી તેમને પાણી મળી રહે છે.
કાળઝાળ ગરમીમાં પણ પ્રાણીઓને મળી રહે છે પાણી
ઉનાળો આવતા જ ગીર અને જૂનાગઢના જંગલોમાં વાયા-વોકળા સુકાઈ જાય છે. અને જંગલી પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે. તેવામાં આ પ્રાણીઓ ગામડાઓ તરફ આગળ આકર્ષિત થાય છે. પરંતુ જંગલના પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.વન વિભાગે જૂનાગઢના જંગલ વિસ્તારમાં અલગ-અલગ પોઈન્ટ બનાવી ત્યાં પ્રાણીઓ માટે પાણીના કુંડ બનાવ્યા છે. જેમાં સરળતાથી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે.
વન વિભાગ દ્વારા ભરવામાં આવે છે પાણીના કુંડા
ગીર એટલે કે, એશિયાઈ સિંહોનું ઘર. તેવામાં અહીં ગીરના રાજાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. અને દરેક લોકોની ઈચ્છા હોય છે કે, તેઓને જંગલમાં સિંહ જોવા મળે. જોકે વન વિભાગની જંગલમાં જળ યોજનાથી સિંહો પણ પર્યટકોને જોવા મળી રહે છે. આ કુંડાઓ અને પાણીના પોઈન્ટ પર વન વિભાગ ખુદ પાણીની વ્યવસ્થા કરે છે. કેટલાક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણીના કુંડા ભરવામાં આવે છે. તો કેટલાક વિસ્તારોમાં બોરવેલ બનાવી પવન ચક્કીની મદદથી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
પાણી મળી રહેતા જંગલ બહાર નથી આવતા હિંસક પ્રાણીઓ
ગીરનું જંગલ સુકું જંગલ છે. તેવામાં પ્રાણીઓ કાળઝાળ ગરમીમાં દિવસ દરમિયાન ટાઢો છાયડો શોધી ત્યાં બેસી રહે છે. અને રાત્રે જ ખોરાક અને પાણી માટે બહાર નિકળે છે. ત્યારે જંગલ વિભાગની આ કામગીરીથી દરેક જંગલી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે. અને હિંસક પ્રાણીઓ ગામડા તરફ ન આવતા, લોકો પર હુમલાની ઘટનાઓ પણ ઘટી જાય છે.