HomeWildlife Specialઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ દ્રશ્યમાન થઈ...

ઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ દ્રશ્યમાન થઈ રહી છે

શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જોવા મળે છે. 

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ગવિયર લેક, ટેના લેક, બરબોધન, કોઝવે અને ડભોલીમાં દ્રશ્યમાન થઈ રહી છે. દુનિયાભરમાં જળબિલાડીની લગભગ 13 જેટલી પ્રજાતિ જોવા મળે છે. જેમાંથી ભારતમાં 3 પ્રજાતિ અને ગુજરાત રાજ્યમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ (ઉદયું,ઉદ બિલાડો, જળબિલાડી) જોવા મળે છે. લુપ્ત ગણાતી આ જળ બિલાડી ગુજરાતમાં મહી, નર્મદા અને તાપી નદીમાં જોવા મળે છે. લુપ્ત ગણાતી અને શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી પાણીમાં 5 મિનિટ સુધી શ્વાસ રોકી શકવામાં માહિર છે.

WSON Team

ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડને છોડીને આ જળબિલાડી વિશ્વના દરેક મહાદ્વીપ પર જોવા મળે છે. ભારતમાં જળબિલાડીની ત્રણ પ્રજાતિ જોવા મળે છે. પહેલી છે યુરેશિયાઈ જળબિલાડી. બીજા નંબર પર છે સ્મૂથ કોટેડ ઓટર (Smooth coated otter) અને ત્રીજા નંબર પર છે સ્મોલ કલાવ્ડ ઓટર (Small-clawed otter). જેમાંથી ગુજરાતમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ જ જોવા મળે છે. તે મોટાભાગે નીચાણવાળા વિસ્તારો, દરિયાકાંઠાના મેંગ્રોવ જંગલો, તાજા પાણીના વેટલેન્ડ, જંગલીની નદીઓ, તળાવોમાં જોવા મળે છે. પાણી માટે અનુકૂળ હોવા છતાં, જમીન પર પણ આરામદાયક રીતે રહી શકે છે અને યોગ્ય નિવાસસ્થાનની શોધમાં લાંબું અંતર પણ કાપી શકે છે.

WSON Team

ગુજરાત રાજયમાં સુરત,ભરૂચ,પંચમહાલ ,દાહોદ અને વડોદરમાં શહેરોમાં તેના હોવાના પુરાવાઓ અગાઉ જોવા મ‌ળ્યા હતા. તેને તાપી,કિમ,પુર્ણા,નર્મદા અને મહી નદી કિનારા વિસ્તારોમાં પણ જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી મોટી સંખ્યામાં સુરત શહેરમાં તે અલગ અલગ સ્થળોએ દ્રશ્યમાન થઈ રહી છે.

સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે. સરથાણા નેચર પાર્ક ઉપરાંત તે ગવિયર લેક ખાતે જોવા મળી હતી. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી ગવિયર લેક પર નેચર કલબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ત્યાં 7-10 જળબિલાડીઓનું ઝુંડ જોવા મળ્યું હતું. અહીં 1200 થી વધુ નેટિવ વૃક્ષો તળાવની વન્યજીવ સૃષ્ટિને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. જેને લઇને કુદરતી રીતે જ તેમની સંખ્યા વધતી જોવા મળી રહી છે.

WSON Team

લસ્મૂથ-કોટેડ ઓટર એ દક્ષિણપૂર્વ એશિયાનું સૌથી મોટું ઓટર છે. તે સર્વભક્ષી છે. તે 75 થી 100 ટકા માછલીઓને જ ખોરાક બનાવે છે. જો કે નાના જંતુ, અળસિયા, દેડકા, કાચબા, જીવ સીલ, કરચલાનો પણ શિકાર કરે છે. સ્મુથ-કોટેડ ઓટર જૂથોમાં એક સાથે ડૂબકી મારી શિકાર કરે છે.તેઓ એક દિવસમાં તેમના વજનથી ૨૫ ટકા જેટલું ભોજન આરોગે છે.

જળબિલાડીની આંખો અને નાક કદમા નાનાં હોય છે તેમજ તેમના શરીરનો આકાર વેલણ જેવો હોય છે. જળબિલાડીની પૂંછડી તેમને તરવામાં સહાય કરે છે. જળબિલાડીને ચાર નાના પગ હોય છે. તેમના પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે જે હલેસાનું કામ કરે છે અને આ કારણે તેમને તરવામાં સરળતા રહે છે.

અણીદાર અને મજબૂત દાંત તેમને શિકાર કરવામાં અને ખાવામાં મદદ કરે છે. તેમના પગના પંજા પણ મજબૂત હોય છે જેનાથી તેઓ શિકારી પર મજબૂત પકડ બનાવી શકે છે. જળબિલાડી પાણીમાં તરે છે ત્યારે તેમના કાન અને નાક બંધ થઈ જાય છે. જેથી તેમના કાન અને નાકમાં પાણી જતું નથી. જળબિલાડીની લંબાઈ 4 થી 5 ફૂટ અને વજન 15 થી 20 કિલોગ્રામ જોવા મળે છે.

WSON Team

તેની ચામડી એકદમ સુવાળી રૂઆંટી અને મોહક આકર્ષક દેખાવ ધરાવે છે અને તેને લીધે જ તે સામાન્ય જળબિલાડીથી અલગ તરી આવે છે. ભારતીય જળબિલાડી કાળાશ પડતા કે હલકા ભુખરા રંગની હોય છે. નદીમાં રહેતી જળબિલાડી પાણીમાં 30 ફૂટ ઊંડાણ સુધી જઈ શકે છે. જળબિલાડી લગભગ પાંચ મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકી શકે છે. તેમનું આયુષ્ય 10 થી 16 વર્ષનું હોય છે.

સ્મૂથ-કોટેડ ઓટર એક પત્નીત્વ વાળી જોડી બનાવે છે. તેમનો પ્રજનનનો સમય ઓગસ્ટ અને ડિસેમ્બરની વચ્ચે હોય છે. ગર્ભધારણની અવધિ 61-65 દિવસ હોય છે. ત્રણ દિવસ પછી બચ્ચાની આંખો ખુલે છે અને સાત-આઠ દિવસમાં આ બચ્ચા તરી શકે છે. બચ્ચાને લગભગ 130 દિવસ સુધી દૂધ પીવડાવવામાં આવે છે. સ્મુથ કોટેડ ઓટર અન્ય ઓટર્સથી વિપરીત નાના કુટુંબના સમૂહ બનાવીને રહે છે. જ્યારે બચ્ચા દૂધ પીવાનું બંધ કરે છે ત્યારે નરના જૂથમાં જોડાય જાય છે.

WSON Team

જળ બિલાડીને આઇ.યુ.સી.એન દ્વારા લુપ્ત થતી પ્રજાતીમાં મુકવામાં આવી છે. એકવા કલ્ચર માટે જળબિલાડી મહત્વનું પ્રાણી છે. કોઇ પણ પ્રકારના રોગ ધરાવતી માછલીઓને જળબિલાડી આરોગી જતી હોય છે. જેને કારણે પાણીમાં સ્વચ્છતા જળવાઇ રહેતી હોય છે. જેથી તેને ઇન્ડિકેટર સ્પીસિસ પણ કહેવાય છે.

વોટર ઈકોસિસ્ટમમાં મોખરાનું સ્થાન ધરાવતી જળબિલાડીના બચાવ માટે વિશ્વના અલગ-અલગ દેશો કામ કરે છે. મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વ ઓટર દિવસ મનાવવામાં આવે છે. જેથી તેમને બચાવી શકાય અને લોકોને તેમના વિશે જાગૃત કરી શકાય.

ઈન્ડિકેટર સ્પીસિસ તરીકે ઓળખાતી જળબિલાડી વિશે જાણવા જેવુ

WSON Team
  • શિડયુલ-2 માં આરક્ષિત જળબિલાડી પાણીમાં 5 મિનિટ સુધી શ્વાસ રોકી શકવામાં માહિર
  • ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડને છોડીને આ જળબિલાડી વિશ્વના દરેક મહાદ્વીપ પર જોવા મળે છે.
  • આ જાતિનું પ્રાણી પૂર્વ ભારત થી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી અને થોડા પ્રમાણમાં ઈરાકમાં પણ જોવા મળે છે.
  • વિશ્વના અલગ-અલગ દેશો કામ કરે છે. મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વ ઓટર દિવસ મનાવવામાં આવે છે.
  • ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી ગવિયર લેક પર નેચર કલબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
  • દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે.
  • જળ બિલાડીને આઇ.યુ.સી.એન દ્વારા લુપ્ત થતી પ્રજાતીમાં મુકવામાં આવી છે. એકવા કલ્ચર માટે જળબિલાડી મહત્વનું પ્રાણી છે.
  • ભારતમાં 3 પ્રજાતિ અને ગુજરાત રાજ્યમાં માત્ર સ્મૂથ કોટેડ ઓટર પ્રજાતિ (ઉદયું,ઉદ બિલાડો, જળબિલાડી) જોવા મળે છે.

                                 જળ માર્જર, જળ બિલાડી

    WSON Team

    સ્થાનિક નામ-  જળ માર્જર, જળ બિલાડી
    અંગ્રેજી નામ-    Smooth Indian Otter, Smooth-coated Otter
    વૈજ્ઞાનિક નામ-  Lutrogale perspicillata
    લંબાઇ-           105 થી 120 સેમી.
    વજન-            7 થી 12 કિલો
    સંવનનકાળ-    શિયાળો
    ગર્ભકાળ-        61 દિવસ
    દેખાવ-           લાંબુ પાતળુ,વાળ વાળું શરીર, લાંબી પુંછડી અને પાણીમાં રહેઠાણ.
    ખોરાક-          માછલી, કરચલા, દેડકા, ઉંદર અને જળપક્ષીઓ.
    વ્યાપ-            ગુજરાતમાં નર્મદા નદીમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ગવિયર લેક, ટેના                        લેક, બરબોધન, કોઝવે અને ડભોલીમાં દ્રશ્યમાન થઈ રહી છે.
    રહેણાંક-         મોટી નદીઓ અને સરોવરો
    ઉપસ્થિતિ ના ચિન્હો–  હગાર, પગનાં નિશાનમાં પાંચ આંગળીઓ ઉપર નખનાં નિશાન.


    Writer: Biny Patel, Nature lover, Traveller, and journalist 

 

- Advertisment -