થોરના ઝુંડ વચ્ચે રેશમની જાળી ગોઠવી પ્રાણીને ફસાવી શિકાર કરતા હોવાની કબુલાત :અન્ય બે ફરાર
મંગળવાર વન વિભાગને મળેલી બાતમી આધારે જેસરના સનાળા ગામે ચિકારાનો શિકાર કરી મીજબાની માણતા બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે નાસી છુટયા હતા.
જોકે ઝડપાયેલ બન્ને શખસોએ શિકારની રીતથી માંડી અગાઉ કરેલ શિકારની પણ કબુલાત રીમાન્ડ દરમિયાન આપી હતી. બનાવ અંગે મળતી વિગતો મુજબ વન વિભાગને મળેલ બાતમી આધારે ગઇ તા.૩૧ના રોજ જેસરના સનાળા ગામે રોડ કરતા રોડપુલ ૧નું વન્યપ્રાણી ચિકારાનો શિકાર કરી મીજબાની માણી રહેલ સ્થળ પરથી જ ઝડપી લીધા હતા. જ્યારે જુના બે શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા.
રેડ દરમિયાન આરોપીઓને ગંધ આવી જતા બે કિ.મી. સુધી નાસ ભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઝડપાઇ ગયેલ બન્ને શિકારીઓને બીજા દિવસે કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા બે દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. જ્યારે રીમાન્ડ દરમિયાન તેઓએ પોતાના ખાવા પીવાના શોખ માટે દોઢ વર્ષ પહેલા મહુવા કરમદીયાની સીમમાં શિકાર કર્યો હોવાનું ખુલ્યું હતું. તો હાલ જેસરના સનાળા, કરમદીયાના ડુંગરોમાંથી ચિકારાનો શિકાર કર્યો હોવાની કબુલાત આપી હતી.
ચિકારાએ મૃગ છે. જે શેડયુલ એકનું વન્ય પ્રાણી પણ છે. શિકારા પદ્ધતિ અંગે તેણે જણાવ્યું હતું કે થોરના ઝુંડ વચ્ચેની જગ્યામાં રેશમની જાળીઓ બાંધી દેવાય છે. જે અલગ અલગ છથી આઠ જગ્યાએ બાંધી શિકારને પાછળ છોડી તે દિશામાં ભગાડી જાળમાં ફસાવી લાકડા વડે મારી શિકાર કરાતો હતો.
જોકે ઘટના સ્થળેથી રેશમની જાળીઓ અને મૃત ચિકારાના અવશેષો પણ મળી આવ્યા હતા. રીમાન્ડ પૂર્ણ થયા બાદ બન્ને આરોપીને જેલ હવાલે કરાયા છે. જ્યારે નાસી છુટેલા અન્ય બે શખસોને ઝડપી લેવા વન વિબાગના આર.એફ.ઓ. હેરભા સહિતની ટીમે ચક્રો ગતીમાન કર્યા છે. બનાવના પગલે શિકારીઓ વિરૃદ્ધ વન વિભાગની 1972ની કલમ 2(16),9, 39, 40, 50, 51, 52 મુજબ કાર્યવાહી કરાઇ છે. આમ મિજબાની માણવા ખાતર આ ટોળકી સસરાથી લઇ મૃગના શિકાર કરતી હતી. જેને ઝડપી લેવામાં વન વિભાગે સફળતા મેળવી હતી.