નામીબિયાથી ખાસ વિમાન મારફતે 8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા છે. જેમાં 5 માદા અને 3 નર ચિત્તા સામેલ છે.
મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટૂંક સમયમાં ગુજરાતના જંગલોમાં પણ ચિત્તા દોડતા જોવા મળશે ?
જંગલનો સૌથી સ્ફૂર્તિલો શિકારી ગણાતા ચિત્તાને ભારત લાવવા માટે નામીબિયાની સરકાર સાથે કરાર થયા છે. આ જ કરાર અંતર્ગત 70 વર્ષ બાદ ભારતમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 70 વર્ષ પહેલા 1952માં સત્તાવાર રીતે ચિત્તાને ભારતમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને ત્યારથી વિશ્વના એક મોટા ભૂમિભાગ પર ચિત્તા જોવા ન મળ્યા. પરંતુ હવે સાત સાત દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતની ભૂમિ પર ફરી એ જ રફ્તાર, એવી જ લાંબી છલાંગ, અને મજબૂત પંજાથી પ્રહાર કરતા ચિત્તા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચિત્તા લાવવા કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને સત્તાવાર વિનંતી કરશે અને ગુજરાતમાં ચિત્તા લાવવાની દરખાસ્ત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.