કાનપુર નગરનિગમના મેયરે પિટબુલ અને રોટરવિલર પ્રજાતિના પાલતું કૂતરાંઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક સમયથી કૂતરાંઓના હુમલાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
કાનપુર શહેર નગરનિગમે પિટબુલ અને રોટરવિલર પ્રજાતિના કૂતરાંઓને શહેરમાં રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેયર પ્રમિલા પાંડેએ જણાવ્યુ હતુ કે, જનતાની સુરક્ષા માટે પિટબુલ અને રોટરવિલર પ્રજાતિને હવે શહેરની સીમામાં પ્રતિબંધિત કરી દેવાયા છે. થોડા સમય પહેલાં જ સરસૈયા ઘાટ પર એક પિટબુલ કૂતરાએ એક ગાય પર હુમલો કર્યો હતો. આ સિવાય પિટબુલ કૂતરાના હુમલાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અંદાજે 41 દેશોમાં પિટબુલ ડોગ્સને પાળવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પિટબુલ દુનિયાના સૌથી ખૂંખાર કૂતરાંઓમાંથી એક છે. આ પ્રજાતિ ખતરનાક, ગુસ્સાવાળી અને આક્રામક હોય છે. પિટબુલનું એનર્જી લેવલ ખૂબ જ વધારે હોય છે. તેને કારણે રમવાનું અને ભાગવાનું તેમને ખૂબ ગમતું હોય છે. તે બહુ જ બુદ્ધિશાળી પણ હોય છે અને તેમને વધુ ભસવાની આદત પણ હોય છે.
મહત્વ પૂર્ણ છે કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પિટબુલના હુમલાઓની ઘટનાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. એવામાં ખતરનાક કૂતરાઓને જોઈને જ લોકો તેમનો રસ્તો બદલી નાંખે છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
