મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વિજાપુર રોડ સ્થિત મહાત્મા ગાંધી પ્રાણી સંગ્રહાલયમાં મગરની વધતી વસતીને જોતાં હવે પ્રશાસને તેમની નસબંધીનો અનોખો વિકલ્પ અપનાવ્યો છે.અત્યાર સુધી લોકોએ શ્વાન કે બિલાડાની નસબંધી વિશે સાંભળ્યું હશે. પરંતુ મગરની નસબંધી વિશે કદાચ કોઈએ જ સાંભળ્યું નહીં હોય.
મગરની સંખ્યા વધતાં તેઓ નદી, નાળા વાટે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ચાલ્યાં જતાં હોવાની અનેક ફરિયાદો વારંવાર સ્થાનિકો કરે છે. સોલાપુર શહેર વચ્ચેથી વહેતા નાળાના કાદવમાં કેટલાંય સમયથી મગર જોવા મળે છે.ગત સપ્તાહે પણ એક અઢી ફૂટનો મગર દેખાયો હતો.
સ્થાનિકોનો આરોપ છે કે આ મગર પ્રાણી સંગ્રહાલયનો છે. જોકે પ્રાણી સંગ્રહાલય પ્રશાસનનું કહેવું છે કે એ મગર અમારો નથી. અમારી પાસે 20 મગર છે. 20 વરસ પહેલાં ભીમા નદીમાં આવેલ પૂર દરમ્યાન એક મગર વહીને રસ્તા પર આવતાં તેને પકડીને પ્રાણી સંગ્રહાલયમાં લવાયું હતું. 12 વર્ષ બાદ ખબર પડી કે તે મગર માદા છે. ત્યારબાદ તેને માટે ચેન્નઈથી સાત ફૂટ લાંબો મગર લાવવામાં આવ્યો. આ માદા-નર મગરે અનેક મગરોને જન્મ આપ્યો અને હવે તેમની દેખભાળમાં મહાનગરપાલિકા પ્રશાસનને બહોળો ખર્ચ ભોગવવો પડતો હોવાથી મગરોની નસબંધી કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે.