HomeWild Life Newsવધતા કોરોના સંક્રમણ વચ્ચે વન વિભાગનો આદેશ, એશિયાટીક સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ

વધતા કોરોના સંક્રમણ વચ્ચે વન વિભાગનો આદેશ, એશિયાટીક સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ

જૂનાગઢમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે વનતંત્રે વિવધ વિસ્તારોમાં આદેશ આપ્યો છે કે ગીર જંગલ, રેવન્યુ વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ માટે પેટ્રોલિંગ કરવામાં આવે. સિંહોમાં શરદી, લાળ પડતી હોય કે વધુ સમય ઉંઘતા રહેતા હોય તો તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જરૂર જણાય તો  વેટરનરી તબીબ દ્વારા સારવાર અપાવવા પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ રોગની અસર પ્રાણીઓ પર તો પડી નથી રહીને તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી સિંહોની તબિયતને લઈ સરકાર સતત ચિંતા કરતી રહી છે કેમકે સિંહોનાં મોતને લઈ અવારનવાર સમાચાર આવતા રહે છે. ગુજરાતમાં સિંહોનાં મોત પર અનેક સવાલ પણ ભૂતકાળમાં ઉઠી ચુક્યા છે. ત્યારે ગુજરાતનું વન તંત્ર હાલમાં ચાલી રેહલા કોરોનાનાં પગલે કોઈ રિસ્ક નથી લેવા માંગતુ અને તેમણે સિંહોની તપાસ કરવા માટે સૂચના આપી છે.

જુનાગઢ અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે અને આ સંક્રમણ જંગલ સુધી ન વિસ્તરે કે માટે વન વિભાગે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. વન વિભાગની સુચના પ્રમાણે હવે સ્ટાફ દ્વારા સિંહોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કર્યો છે.

સૌરાષ્ટ્રમાં પર્યટન સ્થળોને બંધ કરાયા છે. જૂનાગઢ સાસણ અભયારણ્ય, દેવળિયા સફારી પાર્ક, ગિરનાર નેચર સફારી પાર્ક, સક્કરબાગ ઝૂ સહિત ધારીનું આંબરડી પાર્ક પણ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવાયું છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ બોર્ડનો આદેશ હતો. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

- Advertisment -