ગુજરાતના આ વિસ્તારમાં ધનેશ્વરી માતાના ડુંગર અને સાદરા ના જંગલમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે અને દીપડા,નીલગાય,શાહુડી સહિતના વન્ય જીવો પણ છે.

અહિંયાના ભોમિયા જશુભાઇ રાઠવા કહે છે કે ડુંગર પર અને ઢોળાવો પર રામબાવળ,ઉંભ, બિલી, વાંસ,દેવ વૃક્ષ ગણાતું કલમ,જેની લચીલી ડાળખીઓ નો ઘાસ ની ગાંસડી બાંધવામાં દોરડી જેવો લોકો ઉપયોગ કરે છે તે મોઈનો, ટીમરૂ જેવા વૃક્ષો અને વેલાઓ મોટા પ્રમાણમાં છે.

આ વિસ્તારમાં સાગ, સાદડ, જળ જાંબુ,ખાખરો,આલેડો,બહેડો, ઉમરો, આસિતરો, કાકડ,મોદડ,લીમડો, કુસુમ, ગૂગળ અને ચારોળી જેવા સંખ્યાબંધ પ્રજાતિઓના વૃક્ષો છે.

મહુડા હોય ત્યાં પોપટ તો હોય જ તેવી જાણકારી આપતાં વનરક્ષક જગદીશ પટેલ અને ઇકો ટુરિઝમ મંડળીના મનહરભાઈ જણાવે છે કે ચિલોત્રો,ખેરખટ્ટો, દુધરાજ,પીળક,લક્કડખોદ,ચીબરી સહિતની પક્ષી વિવિધતા પણ પંખી છબિકારો એ નોંધી છે.

પાવાગઢ થી ઘોઘંબા ના રસ્તે મસ્ત ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે.લોકો અહીં બાધા માનતા પૂરી કરવા ,દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટી ના ઘોડા ચઢાવવા,બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે.આ ખૂબ પવિત્ર દેવ થાનક(મંદિર) છે.

આ વિસ્તારમાં તરગોળ અને કડા ના બે સિંચાઇ તળાવો જંગલોને પોષે છે અને પવિત્ર ઝંડ હનુમાનની જગ્યા,પ્રાચીન અને જર્જરિત શિવ મંદિરો અને પાંડવ કાલીન અવશેષો આ વિસ્તારને રસપ્રદ બનાવે છે.
Writer: Suresh Mishra, Nature lover, and Traveller
ઈડરિયા ગઢની ભવ્યતા અને ધાર્મિક દિવ્યતા નો સમન્વય થયો છે ચેલાવાડા ના ડુંગરોમાં