રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. https://wildstreakofnature.com/why-you-must-experience-khijadiya-bird-sanctuary-at-least-once-in-your-lifetime/અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.
ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળતા પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે. https://wildstreakofnature.com/gu/khijadiya-bird-sanctuary/ જ્યારે 29 જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે જેમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે.સમગ્ર પણે 100 જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં સંતતિ પેદા કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ 1984માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને તેઓએ ઓળખી કાઢ્યા હતા.
કઈ રીતે નિર્માણ પામ્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય?
દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું હતું.
ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ તથા પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકો-સિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળશે. 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા બ્લેકનેક સ્ટોર્ક, ગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, કોમન પોચાર્ડ, વાઇટ આઇવીસ, ડાઇમેશન, પેલિકન વગેરેનો લ્હાવો મળી શકશે.
શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય ખાતે આવે છે.
પક્ષીઓ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જ્યારે પ્રયાણ કરતા હોય છે ત્યારે ઇન્ડો-એશિયન ઉડ્ડ્યન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું બન્યું છે. જેમાંના અનેક દેશોના પક્ષીઓ સમગ્ર શિયાળો આ સ્થળે જ વિતાવે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી ૩ કિ.મી. દૂર આવેલુ છે.ખીજડીયા ગામ જવાના રોડ્થી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત 12 કિ.મી. જેટલુ છે.