HomeWild Life Newsગુજરાતની આ નદીમાં હમ્પબેક ડોલ્ફિન માછલીઓ લટાર મારતી દેખાઈ

ગુજરાતની આ નદીમાં હમ્પબેક ડોલ્ફિન માછલીઓ લટાર મારતી દેખાઈ

અરબ સાગરને કિનારે વસેલા નવસારી જિલ્લાના ગામોની નજીક તેમજ અરબ સાગરમાં ડોલ્ફિન માછલીઓ જોવામાં આવતી હોય છે. પરંતુ અરબ સાગરમાંથી પૂર્ણા નદીમાં છેલ્લા થોડા દિવસોથી લોકોને આકર્ષિત કરતી ડોલ્ફિન માછલીઓ ઉછાળા મારી તરતી જોવા મળી રહી છે. હમ્પબેક પ્રજાતિની ડોલ્ફિન માછલીઓ ખાસ કરીને વસંત ઋતુ અને શિયાળામાં દક્ષિણ ગુજરાતના દરિયામાં જોવા મળે છે. જેમાં પણ આ સમયમાં ક્યારેક પ્રજનન પણ કરતી હોય છે. અગાઉ ગુજરાતના ભાવનગર, જામનગર વગેરે વિસ્તારોમાં દેખાતી ડોલ્ફિન હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આરામથી ઉછાળા મારતી જોવા મળે છે.

નવસારીની પૂર્ણા નદીમાં પણ ગત ત્રણ-ચાર દિવસોથી બે હમ્પબેક ડોલ્ફિન તેના ત્રણ બચ્ચાઓ સાથે જોવા મળી રહી છે. જલાલપોરના બોદાલીથી નવસારીના વિરાવળ સુધી ભરતીના સમયે ડોલ્ફિન પૂર્ણામાં ફરી રહી છે. પૂર્ણા નદીમાં ડોલ્ફિન ફરતી હોવાની વાતો કિનારાના ગામોમાં ફેલાતા જ બપોરથી સાંજના સમયે લોક ટોળું નદી કાંઠે ડોલ્ફિનને જોવા ઉમટી પડે છે, તેમજ લોકો ડોલ્ફિનને પોતાના મોબાઈલ ફોનમાં કંડારતા પણ જોવા મળે છે. અરબ સાગરને અડીને આવેલા નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ગત બે દિવસોથી ભરતીના સમયે બે ડોલ્ફિન માછલીઓને નદીના પાણીમાં ઉછળતી જોતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. જયારે દરિયાની ભરતીમાં ડોલ્ફિન પૂર્ણા નદીમાં ખોરાકની શોધમાં આગળ આવી ગઈ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

- Advertisment -