જંબુઘોડા અભયારણ્યમાં 7 અને રતન મહાલમાં 5 મળી કુલ 12 પવનચક્કી સાથે જોડાયેલી કુંડીઓ જંગલી જાનવરોને પીવાના પાણીની સુવિધા આપે છે.
પીવાના પાણીની વ્યવસ્થા માનવ જેટલી જ પ્રાણીઓ માટે પણ અનિવાર્ય છે.એની અગત્યતા ધ્યાનમાં રાખીને રાજ્યનો વન વિભાગ અભયારણ્યો અને રક્ષિત વન વિસ્તારોમાં આકરા ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં થી જ નિર્દોષ અને કુદરતની સંપદા જેવા વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ માટે વન વિસ્તારમાં પીવાના પાણીની સમુચિત વ્યવસ્થા કરવાનું માનવીય સંવેદના સભર કામ હાથ પર લે છે. વન વિસ્તારના કુદરતી સ્ત્રોતોમાં હજુ પાણી ટક્યું છે તેમ છતાં,વન્ય પ્રાણી વિભાગ,વડોદરાએ તેના હેઠળ આવતા ૧૯૯ ચોરસ કિલોમીટર જેટલા ક્ષેત્રમાં વન્ય જીવો ઉનાળામાં તરસ્યા ના રહે એ માટેના સમુચિત પ્રબંધો શરૂ કરી દીધાં છે.
વડોદરા વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ની કચેરી હેઠળ જાંબુઘોડા અભયારણ્ય અને રક્ષિત વન વિસ્તારના 140 ચોરસ કિલોમીટરનો અને રતનમહાલ ના ૫૯ ચોરસ કિલોમીટર મળીને કુલ 199 ચોરસ કિલોમીટરનો આરક્ષિત વન વિસ્તાર આવેલો છે.
આ વિસ્તારની વન્ય જીવ સંપદાની વિવિધતાની જાણકારી આપતા નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી જણાવે છે કે અમારા કાર્યક્ષેત્રના વિસ્તારમાં મોટા વન્ય જીવોની વાત કરીએ તો મુખ્યત્વે રીંછ,દીપડા,ઝરખ,નીલગાય,ચોસિંગા અને શિયાળ થી નાના કદની લોંકડી મુખ્યત્વે જોવા મળે છે.તેની સાથે અમારા જંગલમાં વનિયર,જંગલ બિલાડી,નોળિયા,હનુમાન લંગૂર અને જંગલી ભૂંડ પણ છે.આ તમામને ખાસ કરીને ઉનાળામાં એમના વસવાટની સમીપ પીવાનું પાણી મળે એ માટે ચેકડેમો,કુંડીઓ અને કુંડીઓ સાથેના હેંડપંપસ બનાવ્યા છે જેમાં ઉનાળામાં પાણી ભરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જંગલોમાં બોર,પવનચક્કી અને કુંડી ધરાવતી પીવાના પાણીની વ્યવસ્થા પ્રચલિત છે. ડો.ગઢવીની પહેલ થી ગયા વર્ષે પહેલીવાર મધ્ય ગુજરાતના જંગલોમાં પવનચક્કી આધારિત જળ કુંડીઓ બનાવવામાં આવી હતી અને આ પ્રયોગને સફળતા મળી છે.
આ અંગે જાણકારી આપતાં ડૉ. ગઢવિએ જણાવ્યું કે અમારા કાર્યક્ષેત્રના જાંબુઘોડા અભયારણ્યમાં 12 અને રતન મહેલમાં 5 મળીને કુલ 17 પવન ચક્કી લગાવી હતી જે અત્યારે પણ કાર્યરત હાલતમાં છે. પવન ચક્કી આધારિત પીવાના પાણીની આ વ્યવસ્થા નો ફાયદો એ છે કે હવાથી પવન ચક્કી ચાલે છે એટલે એની સાથે જોડાયેલા બોરમાં થી પાણી આપોઆપ કૂંડીમાં ભરાય છે.અન્યથા કુંડીઓને ભરવા ટેન્કરની મદદ લેવી પડે છે.આ તમામ પવન ચક્કીઓ હાલમાં કાર્યરત હાલતમાં છે.
ઉલ્લેખનીય છે કે બહુધા વન વિભાગે શિયાળો ઉતરવાની સાથે ફેબ્રુઆરી મહિનાથી જંગલની કુંડીઓ અને ચેકડેમોમાં પાણી ભરવાનું ચાલું કરવું પડે છે. જો કે ગત વર્ષના સારા ચોમાસાને પગલે આ વર્ષે હજુ ખૂબ ઓછી જરૂર પડી છે.તેમ છતાં,કુંડીઓ ના સમારકામ જેવી પ્રાથમિક તૈયારીઓ કરી લીધી છે.અને હવે પછી જરૂર જણાતા આ જળ પ્રસ્થાપનોમાં ટેન્કર થી નિયમિત પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે જ્યાં માનવ અને વન્ય જીવો સાથે રહે છે એવા ઇકો સેન્સિટિવ વિસ્તારમાં બહુધા મુસાફરી માટે ઉપયોગમાં લેવાતી કેડીઓ ની આસપાસ હેન્ડ પંપ બનાવવામાં આવે છે.તેની સાથે કુંડીઓ પણ જોડવામાં આવે છે.આ હેન્ડ પંપોનું પાણી દિવસના સમયે ત્યાં રહેતા લોકોના ઉપયોગમાં આવે છે.અને એની જળ ભરેલી કુંડીઓ રાત્રે વન્ય જીવોની તરસ છિપાવે છે.ચેકડેમો અને કુંડીઓની સમયાંતરે નિયમિત સફાઈ કરાવવામાં આવે છે.મોટેભાગે ફેબ્રુઆરી થી શરૂ કરીને જૂન મહિનાના અંત ભાગે સારો વરસાદ થઈ જાય ત્યાં સુધી વન વિભાગ વન્ય જીવો માટે જંગલમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાની કાળજી લે છે.
વન્ય જીવો એ આપણા જીવંત પર્યાવરણનો એક અગત્યનો ભાગ અને રાષ્ટ્રીય સંપદા છે.ગુજરાત આમેય જીવદયાને વરેલું રાજ્ય છે. પ્રાણી માત્ર માટે અનુકંપા એ આપણા લોહીમાં છે અને લોહીના એ ગુણધર્મને અનુસરીને રાજ્ય સરકાર વન વિભાગના માધ્યમ થી રાજ્યના વનોમાં ખાસ કરીને ઉનાળામાં વન્ય જીવોની તરસ છીપાવવા ના સમુચિત પ્રબંધો કરે છે.