પૂર્વ કચ્છમાં રાપર તાલુકાના પદમપર ગામની સીમમાં રક્ષિત પ્રાણી નીલગાયના શિકારનો કિસ્સો બનતાં વનતંત્ર દોડધામમાં પડી ગયું હતું. અલબત ‘ગામલોકો આવી જતાં શિકાર છોડીને ભાગી ગયેલા અજાણ્યા શિકારીઓ વિશે હજુ કોઇ જ સગળ મળ્યા નથી.
મળતી માહિતી મુજબ પદમપર ગામની સીમમાં શિકારી ટોળકીએ નીલગાય પ્રાણીને હણી નાખ્યું હતું. શિકારીઓની આ હરકત વિશે ગ્રામજનોને ખ્યાલ આવતાં વન્યપ્રેમીઓ સીમાડા તરફ ધસી ગયા હતા જોકે લોકોને આવતા જોતા શિકારીઓ મૃત નીલગાયને સ્થળ ઉપર જ છોડીને નાસી ગયા હતા.
દરમ્યાન ઘટના વિશે વનતંત્રને જાણ કરાતાં કાર્યકારી વર્તુળ વન અધિકારી વી.આઇ. જોષી તથા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ હાથ ધરી હતી. મૃત નીલગાયનો કબજો લઇને વનતંત્રના ધારાધોરણ મુજબની આગળની કાર્યવાહી આરંભાઇ હતી.
તંત્રની ટુકડીએ શિકારી તત્ત્વોની શોધખોળ માટે આસપાસનો સમગ્ર વિસ્તાર ખુંદી નાખ્યો હતો. પણ કોઇ સફળતા મળી ન હતી તેવું તંત્રના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન આ ઘટનાને કેન્દ્રમાં રાખીને જીવદયાપ્રેમી અને જાગૃત લોકોએ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અભયારણ્ય હેઠળ આવતા રાપર તાલુકામાં શિકારની ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક જેવી બની ગઇ હોવાની ફરિયાદો છે.
માત્ર ચાર વર્ષ પહેલાં વાગડ વિસ્તારમાં ચિંકારા હરણની સંખ્યા 400 જેટલી હતી પણ આજે આ પ્રાણી ભાગ્યે જ જોવા મળે છે. બેકાબૂ બનતી ગયેલી શિકારી પ્રવૃતિમાં આ રક્ષિત પ્રાણી મોટાભાગના હણાઇ ચૂકયા હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી રહી છે. નોંધપાત્ર અને ગંભીર બાબત આક્ષેપના રૂપમાં એ સપાટી ઉપર આવી રહી છે કે શિકારની પ્રવૃતિમાં અમુક વનતંત્રના માથાઓની મીઠીનજર પણ જવાબદાર બની રહી છે.
જોકે નીલગાયના શિકાર મામલે વનતંત્ર દ્વારા શિકાર કરાયેલી નીલગાયનું પોસ્ટમોર્ટમ કરાવીને ફરાર આરોપીઓ સામે ગુનો પણ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.