ગાંધીનગરના સરિતા ઉદ્યાનથી રાજભવન વિસ્તારમાં 30મી ડિસેમ્બરની રાત્રે દીપડાએ લટાર મારતાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ તંત્રના રાત-દિવસના ઉજાગરા વધી ગયા છે. વનતંત્ર દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરીને દીપડાને પૂરવા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે. જોકે અત્રેનો જંગલ વિસ્તાર ખૂંદી નાખી પાંજરા મૂકી નાઇટ વિઝન કેમેરાથી તપાસ કરવા છતાં હજી સુધી સત્તાવાર રીતે દીપડાના કોઈ સગડ મળ્યા નથી.

ગાંધીનગરમાં દીપડો લટાર મારી રહ્યો હોવાની બુમરાણ ઊઠતાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ દ્વારા રાજભવન, સરિતા ઉદ્યાન સહિતના આસપાસના વિસ્તારોમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે અંદાજિત 20 કિલોમીટરનો વિસ્તાર ખૂંદી કાઢવા છતાં હજી સુધી દીપડાના ફિંગરપ્રિન્ટ સહિતના નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. એમ છતાં અગમચેતીના પગલાના ભાગરૂપે વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત અત્રેના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની શક્યતાના પગલે ત્રણ પાંજરાં તેમજ ત્રણ નાઇટ વિઝન કેમેરા પણ મૂકીને રાતદિવસ બાઝનજર રાખવામાં આવી રહી છે. તેમ છતાં હજી દીપડો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

આ અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દીપડાને શોધવા માટે પાંચ દિવસથી સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે તેમજ ત્રણ પાંજરાં અને નાઈટ વિઝન કેમેરા પણ મૂકવામાં આવ્યાં છે. જો કે સરિતા ઉદ્યાન વિસ્તારમાં હજી દીપડો હોવાના સત્તાવાર પુરાવા મળ્યા નથી. ત્યારે આજે અક્ષરધામ પાછળના ગાર્ડન વિસ્તારમાં સફાઈકર્મી યુવતીએ દીપડો જોયો હોવાનું જાણ થતાં અહીં પણ સર્ચ-ઓપરેશન કરાઈ રહ્યું છે અને પાંજરું પણ મૂકી દીધું છે, પણ હજી સુધી દીપડાની સગડ મળ્યા નથી.