લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના
રાજકોટની પ્રકૃતિ પ્રેમી અને સિંહ પ્રેમી જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે રાજકોટમાં પણ સિંહને મુક્ત વિહાર કરતા જોઈ શકશે રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મનપાએ 15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે દિવસ પૂર્વે મનપા કમિશનર અને જંગલખાતાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં જંગલખાતાએ જમીન પરત આપવા તૈયારી બતાવી છે.
સમય મર્યાદા પુરી થતા જંગલખાતાએ જમીન પરત કરવાની તૈયારી બતાવી
રાજકોટ મહાનગરપાલિકાને આ જમીન સરકારે બ્યુટીફિકેશન અને રાંદરડા તળાવ આસપાસ મનોરંજન પાર્ક માટે બનાવવાના હેતુથી ફાળવી હતી. જો કે જમીન ફાળવણી બાદ કોઈ પ્રોજેકટ નહિ બનતા જંગલખાતાને સામાજિક વનિકરણની યોજના માટે જમીનનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જમીનનો ઉપયોગ 15 વર્ષ માટે થઈ શકશે તેવું નક્કી કરાયું હતું. હવે મહાપાલિકાએ બજેટ 2023-24 માં જમીનની જરૂર પડી છે. મનપા દ્વારા ત્યા લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
15 વર્ષ પહેલા જંગલખાતાને અપાયેલી 8 હેક્ટર જમીન પરત લેવાની કાર્યવાહી શરૂ
મનપાએ જમીનની માગણી માટે જંગલખાતાને જણાવતા અધિકારીઓ વચ્ચે હકારાત્મક બેઠક યોજાઈ હતી. આ જમીન 15 વર્ષ માટે આપવામાં આવી હતી અને હાલ તેના કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે જમીન જંગલખાતું પરત આપી દેશે. જમીન મહાપાલિકાની માલિકીની હોવાથી કોઈ ટેકનીકલ સમસ્યા આડી આવી શકે તેમ નથી. જમીનનો મુદ્દો ક્લિયર થયા બાદ યોજનાનો ડી.પી.આર. બનાવવામાં આવશે. જે રીતે સાસણના દેવળીયા, જૂનાગઢમાં સકકરબાગ પાછળ સિંહને મુક્ત વિહાર કરતા માણી શકાય છે તે રીતે રાજકોટમાં રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.