ભારતમાં કોરોનાની બીજી લહેરમાં પ્રાણીઓમાં કોરોના ફેલાયો હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઝુના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. એશિયાઇ સિંહના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
મળતી માહિતી મુજબ હૈદરાબાદના ઝૂમાં કામ કરતાં પશુઓના ડોકટરોને એશિયાઇ સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. આ એશિયાઇ સિંહો અશાંત લાગી રહ્યા હતા, તેમના નાકમાંથી સતત પ્રવાહી નીકળી રહ્યું હતું, અને તેમને ઉધરસ આવી રહી હતી. 40 એકરના સફારી એરિયામાં દસેક વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 12 એશિયાઇ સિંહો અહીં રાખવામાં આવ્યા છે. જેમાંથી ચાર માદા અને ચાર નરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એશિયાઇ સિંહોનું વર્તન અજૂગતું લાગતા તેમનો RT-PCR રિપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું. તેમના ગળાના હાડકાં પાસેથી સ્વેબ સેમ્પલ લેવાયા હતા. એશિયાઇ સિંહોના સેમ્પલનું જેનોમ સિકવન્સિંગ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. જેનાથી એશિયાઇ સિંહોને માણસમાંથી આ વાયરસનો ચેપ લાગ્યો કે કેમ તે જાણી શકાશે. સીસીએમબી આ 8 એશિયાઇ સિંહોના સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ વડે વિસ્તૃત તપાસ કરશે અને જાણશે કે આ વાયરલ માણસોમાંથી ફેલાયો છે કે કેમ, આ સાથે જ એશિયાઇ સિંહની સારવાર શરુ કરવામાં આવી છે.
અધિકારીઓ સિંહના સીટી સ્કેન પણ કરાવી શકે છે. આ પહેલા સામે આવ્યું હતું કે પ્રાણીઓમાં લક્ષણો જણાયા હતા ત્યારબાદ તેમને આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા અન્ય દેશોમાં પણ પ્રાણીઓમાં કોરોનાની પુષ્ટિ હતી. પરંતુ ભારતમાં આ પહેલો કેસ છે. 24 એપ્રિલે ઝૂના કેરટેકર્સના ધ્યાનમાં આવ્યું કે સિંહને ઉધરસ, નાકમાંથી પાણી નીકળવું, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જણાય છે. આ વાતની જાણ તેમણે અધિકારીઓને કરી અને સિંહોના સ્વેબ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ગયા વર્ષે ન્યૂયોર્કના ઝૂમાં રખાયેલા આઠ વાદ્ય અને સિંહોને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. જોકે, ત્યારબાદ દુનિયામાં કયાંય જંગલી પ્રાણીને કોરોના થયો હોવાની કોઈ વિગતો બહાર નહોતી આવી. પરંતુ હોંગકોંગમાં કૂતરા અને બિલાડામાં આ વાયરસ મળી આવ્યો હતો.