વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં જ 8 જેટલા સિંહો કોરોના સંક્રમિત થયા હતા. તેને ધ્યાનમાં રાખી કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં રહેતા તમામ પ્રાણીઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.
અમદાવાદના કાંકરિયાના પ્રાણીસંગ્રલયમાં પ્રાણીઓ પર કોરોનાની અસર નહીવત છે, પરંતુ તકેદારી રાખવી જરૂરી છે. પ્રાણીઓમાં કોરોનાની અસર જ્યારે થતી હોય છે ત્યારે લાડ ટપકવી, ખાંસી આવી અન્ય ઘણા લક્ષણો દેખાય છે. આને ધ્યાને આવતા જ તેની સારવાર શરૂ કરવામાં આવતી હોય છે. જોકે, કાંકરિયા ઝૂમાં હજી સુધી કોઈ પશુ-પક્ષી અથવા કોઈ પ્રાણી બીમાર થયા નથી અને બીજી તરફ સ્ટાફ દ્વારા સતત ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.
કોરોના ધીમે ધીમે પ્રાણીઓ અને પક્ષીઓ પર પણ હાવી થતો જોવા મળી રહ્યો છે, જેને લઈ રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની રક્ષા અને માવજત કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે. તો બીજી તરફ ગરમીના કારણે પશુ-પક્ષીઓ અને પ્રાણીઓમાં ડિહાઈડ્રેશન થતું જોવા મળતું હોય છે. આ માટે થઈ તંત્ર સતત પાણીનો છંટકાવ અને કૂલર મશીન મૂકવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના કહેરને ધ્યાને જીવોને તેની કોઈ અસર ન થાય તેવા હેતુસર તમામ જગ્યાએ દિવસમાં 2થી 3 વખત સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.