HomeWildlife Specialઅનમોલ ભારતીયો: ‘હરણ’ બચાવવા માટે ખેડૂતે એવું કર્યુ કે, હરણની સંખ્યા 3...

અનમોલ ભારતીયો: ‘હરણ’ બચાવવા માટે ખેડૂતે એવું કર્યુ કે, હરણની સંખ્યા 3 થી વધીને હજારોને પાર પહોંચી

તમિલનાડુના એક ખેડૂત આર.ગુરુસામીએ આસપાસના વિસ્તારમાં કેટલાક ભટકતા હરણોની સંભાળ રાખવા માટે તેમની મોટાભાગની પૈતૃક જમીન છોડી દીધી હતી.

તમિલનાડુના પુડુપલયમ ગામમાં, 50 એકરના ખેતરમાં પ્રકૃતિ માટે કંઈક અનોખું જ આયોજન કરેલ છે – જો તમે તે જગ્યાની મુલાકાત લો, તો તમને ત્યાં બકરી અને ગાયોની સાથે હરણના ટોળા દ્વારા પણ જોવા મળશે.

છેલ્લા 20 વર્ષથી, હરણોએ આ ફાર્મને પોતાનું ઘર બનાવ્યું છે અને તેઓ ત્યાં પાળેલા પ્રાણીઓ સાથે શાંતિપૂર્વક રહે છે.

આ કેવી રીતે બન્યું?

આ આર ગુરુસામીએ સુરક્ષિત નિવાસસ્થાન બનાવવા અને વન્ય જીવોનું રક્ષણ કરવા માટે પોતાની ખેતીની જમીન છોડી દીધી હતી. ગુરુસામીએ હરણ સાથેની તેમની પ્રથમ મુલાકાત અને કેવી રીતે તેમણે વસ્તીને માત્ર ત્રણથી 1800 સુધી વધારવામાં મદદ કરી તે જણાવે છે.

કરુણામય કાર્ય

તેઓ કહે છે કે,“ વર્ષ 1998 માં એક દિવસ મેં મારી બકરીઓની સાથે, ઘાસ પર ચરતા ત્રણ હરણને જોયા. હું આ દૃશ્ય જોઈને આનંદિત થઈ ગયો, કારણ કે હરણ ઘાસ ખાવા માટે ઢોરની પાછળ પાછળ આવે છે. મારા આશ્ચર્યની વાત એ છે કે, તેઓ ખરેખર ક્યારેય જતા જ નહોતા, અને તેના બદલે વારંવાર ફરી ફરી મુલાકાત લેતા હતા,”

ગુરુસામી માને છે કે હરણ પાણી અને ખોરાક માટે પશ્ચિમ ઘાટના નજીકના મેટ્ટુપલયમ જંગલમાંથી તેમના પ્રદેશમાં પ્રવેશ્યું હતું. “છેલ્લા 25 વર્ષથી આ પ્રદેશ દુષ્કાળની સ્થિતિ અને વરસાદની અછતનો અનુભવ કરી રહ્યો છે. ઘૂસીખા નદીમાં વર્ષનો મોટાભાગનો સમય પાણી રહેતું હતું, પરંતુ હવે તે સુકાઈ જાય છે. સિંચાઈ માટે પાણીના વધુ પડતા ઉપયોગને કારણે ભૂગર્ભજળના સ્તરમાં પણ ઘટાડો થયો છે. હરણને આનો સામનો કરવો પડ્યો હોવો જોઈએ.”

આ 70 વર્ષીય વૃદ્ધ કહે છે કે, “મારી પાસે 60 એકર જમીન છે અને તે દિવસો દરમિયાન, 15 એકરથી વધુ જમીનમાં મકાઈ, કપાસ અને મોસમી શાકભાજી જૈવિક રીતે ઉગાડાતો. મેં મારી 100 ગાયો અને બકરીઓ માટે 45 એકર જમીન તેમના ચરવા માટે સમર્પિત કરી છે. હું ઓર્ગેનિક ખાતર બનાવવા માટે ઢોરના છાણનો ઉપયોગ કરું છું.”

ગુરુસામી કહે છે કે હરિયાળી સાથેની ખુલ્લી જમીન હરણ માટેના ખોરાક માટેનું સુરક્ષિત રહેઠાણ બન્યું. તેઓ કહે છે કે,“ જયારે હરણે આ ભૂમિને ઘર બનાવ્યું ત્યારે આખરે મેં મારો ખેતીનો વિસ્તાર 10 એકર સુધી સીમિત કર્યો અને 50 એકર પ્રાણીઓ માટે આપી દીધી.”

તેઓ આગળ કહે છે કે, તેમને હરણ પ્રત્યે સહાનુભુતિ છે. અને તે તેમને નુકસાન પહોંચાડવા અથવા તેમને ભગાડવા માંગતા ન હતા. “મેં કૂતરાઓ દ્વારા હરણ પર હુમલો કરવાના કેટલાક કિસ્સાઓ જોયા હતા, અને હું આ વન્યજીવનું રક્ષણ કરવા માંગતો હતો. મને સમજાયું કે મારી ખેતીની જમીન હરણને બહારના જોખમોથી દૂર રાખશે.”

ખેડૂતનું કહેવું છે કે ત્રણ હરણમાંથી એક નર હતું અને બાકીના બે માદા જેમ જેમ પ્રાણીઓએ સંવર્ધન કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમની વસ્તીમાં વધારો થયો.

તે કહે છે કે,”વર્ષો વીતતા ગયા તેમ હરણની વસ્તીમાં વધારો થતો ગયો, અને 2005 સુધી તેમના વિશે કોઈ જાણતું ન હતું. સંખ્યા એટલી હદે વધી ગઈ હતી કે હરણોએ નજીકના ખેતરોમાં પહોંચવાનું શરૂ કર્યું હતું અને ઘણીવાર આ કારણે પાકને નુકસાન પહોંચતું હતું. અન્ય ખેડૂતોને ભયનો અનુભવ થયો. અમારા ગામ અને પડોશી જિલ્લાઓમાં 2000 ના દાયકાના મધ્યમાં વરસાદની અછત હતી અને હરણ તેમના તળાવમાં પાણી પીવા તથા પાકને ખાવા માટે અન્ય ખેતરોમાં ચાલ્યા ગયા. કેટલાકે વન વિભાગ અને જિલ્લા વહીવટી અધિકારીઓને ફરિયાદ કરી.”

ટૂંક સમયમાં, એક સ્થાનિક અખબારના પત્રકારને આ વિશે જાણ થઈ, તેણે આ વિસ્તારમાં વધતા જતા વન્યજીવન વિશે લખ્યું. ગુરુસામી કહે છે કે સમાચારના લેખમાંથી પ્રેરાઈને, શહેરી રહેવાસીઓએ હરણને જોવા માટે આ સ્થળની મુલાકાત લેવાનું શરૂ કર્યું.

પરંતુ ગુરુસામીને કોઈ ફરિયાદ નથી અને તેઓ સમજે છે કે ખેડૂતોએ હરણને શા માટે જોખમી ગણાવ્યું હતું. “તેઓ પહેલાથી જ પાણીની અછતથી પીડાતા હતા, અને પાકનું ઉત્પાદન ઘટી રહ્યું હતું. હરણ દ્વારા થયેલા નુકસાનથી તેમના નુકસાનમાં વધારો થયો અને જે તે ખેડૂતોને સ્વીકાર્ય ન હતું. કેટલાકે તો હરણનો પીછો કરવા માટે કૂતરાઓને પણ પાળ્યા હતા,” તે કહે છે.

જો કે, હરણનો પીછો કરવાથી તેઓને ઘણી વાર ડર લાગતો હતો, અને જંગલી પ્રાણીઓ આડેધડ ભાગતા હતા, અને કેટલાક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. હરણની વસ્તીએ શિકારીઓને પણ આકર્ષ્યા જેમણે માંસ અને વેપાર માટે તેમનો શિકાર કરવાનું શરૂ કર્યું.

ગુરુસામી કહે છે કે તેમણે ખેડુતોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિરર્થક રહ્યો. “તે બધા મારી વિરુદ્ધ ગયા અને કલેક્ટરને જાણ કરી. હું જાગરૂકતા લાવવા અને પ્રાણી પ્રત્યેની તેમની ધારણાને આજની તારીખમાં બદલવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. માત્ર મારા મિત્ર સી બાલાસુંદરમે જ હંમેશા મારા હેતુને સમર્થન આપ્યું છે. તેણે અનેક એકરમાં ફેલાયેલા તેના નાળિયેરના બગીચામાં હરણને ફરવા દીધા.”

બાલાસુન્દ્રમે ગુરુસામીને 2008 અને 2010માં શિકારીઓની બે ટીમોને પકડવામાં પણ મદદ કરી હતી. આ બાબતે અમે વન વિભાગને જાણ કરી અને તેઓએ અમને 24/7 સહાયનું વચન આપ્યું છે. હરણને બહાર જતા અટકાવવા માટે, તેમને ખેતરમાં થોડા તળાવો બનાવ્યા. ઉનાળાના મહિનાઓમાં વન વિભાગના અધિકારીઓ પણ ત્યાંથી પાણી ભરે છે.

તિરુપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સેન્થિલ કુમાર કહે છે, “છેલ્લા બે દાયકામાં હરણની વસ્તીમાં જબરદસ્ત વધારો થયો છે. ઑગસ્ટ 2021 માં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, હરણની વસ્તી લગભગ 1,800 છે.”

સેંથિલ કહે છે કે વિભાગ ગુરુસામીને હરણનું રક્ષણ કરવામાં અને તેમની જરૂરિયાતોને સમજવામાં મદદ કરે છે. તેઓ આગળ કહે છે કે, “અહીં શિકાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે વન રક્ષકો દ્વારા ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવે છે.”

સુરક્ષિત સ્થળ માટે અભિયાન

ધીમે ધીમે કેટલાક એનજીઓ અને પર્યાવરણવાદીઓએ પણ ગુરુસામી અને તેમના હેતુને સમર્થન આપવાનું શરૂ કર્યું.

કે રવિન્દ્રન, પર્યાવરણવાદી અને તિરુપુરની નેચર સોસાયટીના પ્રમુખ કહે છે, “હું 2010 થી ગુરુસામીના કાર્યને જોઈ રહ્યો છું, અને હરણની વસ્તીને બચાવવા અને વધારવામાં તેમનું કાર્ય પ્રશંસનીય છે. જો કે, હરણ એક શાકાહારી પ્રજાતિ છે અને કેળા, ટેપીઓકા અને અન્ય ગાઢ વૃક્ષોના વાવેતર સાથે, કોઈ પણ ભૂલથી ગુરુસામીના ખેતરને મીની જંગલ સમજી શકે છે.”

રવિન્દ્રન કહે છે કે શિકારીઓની ગેરહાજરીને કારણે હરણની વસ્તી વધી રહી છે. તે ઉમેરે છે, “મેં એક દાયકા પહેલા મારી પ્રથમ મુલાકાત દરમિયાન લગભગ 110 હરણ જોયા હતા, અને આજે આ વિસ્તારમાં સેંકડો હરણ હરીફરી રહ્યાં છે. જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓ વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અવારનવાર ખેતરની મુલાકાત લે છે.

વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, ગુરુસામીએ અધિકારીઓને હરણને સુરક્ષિત સ્થળે ખસેડવા વિનંતી કરી છે.

ગુરુસામીના વિચારોને પડઘો પાડતા, રવિન્દ્રન કહે છે કે હરણનું સ્થળાંતર એ સમયની જરૂરિયાત છે. પરંતુ તેના પોતાના પડકારો છે. “હરણ એક સંવેદનશીલ પ્રાણી છે. રિલોકેશન માટે ધીમી અને લાંબા ગાળાની યોજનાની જરૂર પડશે, અને અમે અધિકારીઓને સૂચન કરવા માટે ઉકેલો શોધી રહ્યા છીએ,” રવિન્દ્રન કહે છે.

હરણ માટે અનિશ્ચિત ભાવિ હોવા છતાં, ગુરુસામી કહે છે કે તેઓ વન્યજીવનનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે. “મને કોઈ સમર્થનની જરૂર નથી અને હરણની સુરક્ષા માટે હું ખેડૂતો સાથે લડીશ. રાજ્ય સરકારે ખેડૂતો માટે પાણીની સમસ્યાને દૂર કરવા માટે સિંચાઈની પાઈપલાઈન મંજૂર કરી છે. પાણીની પહોંચ હરણ માટે જોખમો વધારી શકે છે, અને તેથી માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે તાત્કાલિક ઉકેલની જરૂર છે. જો કેટલાક નિષ્ણાતો અમને મદદ કરે તો તે ખરેખર સરાહનીય છે,” તે કહે છે.

- Advertisment -